ભડલીમાં વરંડો કુદી બે ઇસમોએ છરીની અણીએ રસોયા પાસેથી રૂ. 2600ની લૂંટ કરી 

નખત્રાણા તાલુકાના ભડલી ગામે રહેતા અને છુટક કેટરસનો ધંધો કરતા આધેડ રસોયાના ઘરનો વરંડો કૂદી બે ઇસમોએ છરીની અણીએ રૂપિયા 2,600ની લૂંટ કરી નાસી જતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ઘડલી ગામે રહેતા ગીરીશભાઇ મુળજીભાઇ રાવળ (ઉ.વ.40)ની ફરિયાદને નજરે રાખીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ બપોરે બે વાગ્યાના સમયગાળામાં બન્યો હતો. રક્ષાબંધનનો તહેવાર આવતો હોવાથી ફરિયાદી મીઠાઇઓ બનાવા માટે ભડલી ગામે તેમના મકાનના એક ઓરડામાં મીઠ્ઠાઇઓ બનાવી રહ્યા હતા.

તે અરસામાં ભડલી ગામે રહેતો આરોપી સંજુભા ઉર્ફે પિન્ટુ ગાભભા જાડેજા અને કલ્યાણપર રહેતો નુરમામદ જાકબ મેર નામના ઇસમો ફરિયાદીના મકાનના વરંડાને કૂદી  ઘરમાં ઘુસી આવ્યા હતા. આરોપી સંજુભાએ ફરિયાદીને છરી દેખાડી ધોલધપાટ કરી હતી, જેટલા રૂપિયા તારી પાસે હોય તે આપી દે તેવું કહ્યું હતું. ફરિયાદીએ રૂપિયા નથી એવું  કહેતા આરોપી નુરમામદે ફરિયાદીના પેન્ટના ખીસ્સામાં હાથ નાખી રૂપિયા 2,600 કાઢી લીધા હતા.

વધુ રૂપિયાની માગણી કરી આરોપીઓએ મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદી રૂપિયા લઇ આવું કહીને ઘરનો વરંડો કુદીને ગામના ચોકમાં પહોંચી ગયો. ફરિયાદીની પાછળ દોડેલા બે ઇસમો ગામમાં અન્ય વ્યક્તિઓની હાજરી જોઇ પલાયન થઈ ગયા હતા.આ ઘટનાથી ડરીગયેલા ફરિયાદીએ તેમના ભાઇઓને વાત કરી નખત્રાણા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે ઘટનાની નોંધ લઇ આરોપીઓને પકડી પાડવા તપાસ તેજ કરી છે.