સમોસા હાઉસમાં નકલી પોલીસ બની લૂંટ કરનાર ત્રણ સખ્શ ઝડપાયા

ગાંધીધામ પાસે નેશનલ હાઈવે નજીક ગાયત્રી પેટ્રોલ પંપ પાસે આવેલ લક્ષ્મી સમોસા ભંડારની દુકાન પર પોતાની પોલીસ તરીકે ઓળખ બતાવી રૂ.5,200 ની લૂંટ કરનાર ત્રણ સખ્શોને એ-ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં પકડી લેવાઈ ભેદ ઉકેલાયો હતો. આરોપીઓ પાસેથી રૂ.35 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

 પીઆઇ એ.બી.પટેલે માહિતી આપતાં જણાવ્યું હતુ઼ કે, લક્ષ્મી સમોસા ભંડારની દુકાન પર રાત્રે પોતાની પોલીસ તરીકેની ઓળખાણ આપી ત્રણ નકલી પોલીસ બનેલા આરોપીઓએ કામ કરતા રાજેંદ્ર ઢોડાઈ સહાની અને પપ્પુકુમાર શાહને મોડી રાત્રે દુકાન ખોલવી હોય તો 5 હજાર આપવા પડશે એવું કહી રૂ.5,200 ની લૂંટ કરી હતી. આ ઘટનાની ફરિયાદ નોધાવ્યા બાદ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

આ દરમીયાન ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સની મદદ વડે આ ગુનાને અંજામ આપનારા કિડાણા ચોરસવારમા઼ રહેતા ઇલિયાસ ઇબ્રાહિમ ચાવડા, ભુકંપનગરમાં રહેતા ઇમરાન રમજાનભાઇકકલ અને આશાનગર સોસાયટીમાં રહેતા કાંતિલાલ બાબુલાલ ભીલને પકડી પાડી તેમની પાસેથી બળજબરીથી કઢાવાયેલા મોબાઇલ સહિત 4 મોબાઇલ અને આ ગુનામાં ઉપયોગ કરવામાં આવેલ બાઇક સહિત કુલ રૂ.35,500 નો મુદ્દામાલ જપ્ત કરી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો હતો. પકડાયેલા આરોપી પોલીસ તરીકે પોતાની ખોટી ઓળખ આપીને રોકડ કે મોબાઇલ લઇ જવાની મનોવૃતિ ધરાવતાનું બહાર આવ્યું છે.