વરસામેડીમાં યુવાકને છરી મારી બે જણાએ લૂંટ કરી

અંજારના વરસામેડી પાસે કંપનીમાંથી કામ કરી ઘર તરફ જઇ રહેલા ત્યારે બાઇક વડે આવેલા બે શખ્સે તેને છાતીના ભાગે છરી મારી પર્સની લૂંટ કરી ભાગી ગયા હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં પર્સમાં રૂ.70 રોકડા, કંપનીનો ગેટ પાસ ઉપરાંત અગત્યના દસ્તાવેજો હતા.ઇજાગ્રસ્ત થયેલ યુવાન ગંભીર હાલતમાં હોતા ભુજ ખસેડાયો.

વરસામેડી પાસે આવેલી વેલ્સ્પન કંપનીના ગેટ પાસે બનેલા આ બનાવમાં વેલ્સપન કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા બીપીનકુમારસિંઘ ઉર્ફે ગુડ્ડુસિ઼ઘ સિંઘ દ્વારા નોંધાવેલી ફરીયાદમાં જણાવાયુ હતું, સાંજે શીફ્ટનું કામ કરી વર્કરો ઘરે જવા માટે નિકળ્યા હતા.

જે પૈકીનો વિનોદકુમાર મોહંતો કંપનીના ગેટ પાસેથી જમણી બાજુ જતો હતો તે દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા સખ્શોએ તેને અટકાવી પાછળ સવાર થયેલા શખ્સે છરી દેખાડી જે પૈસા હોય તે આપી દેવા કહેતા તેમણે પૈસા ન હોવાનું જણાવતા તેને ડાબી બાજુ છાતી નીચે છરીનો ઘા મારી બળજબરી પૂર્વક તેના ખિસ્સામાંથી પર્સ કાઢી લૂંટને અંજામ આપી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત વીનોદકુમારને અંજાર સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલ ખસેડાયો છે.