કંડલામાં BPCL કંપનીની પાઇપ લાઇનમાંથી ડીઝલની ચોરી; 280 લીટર ડીઝલ જપ્ત કરાયું


કંડલામાં બી.પી.સી.એલ. કંપનીની પાઇપ લાઇનમાં કાણું પાડી અમુક શખ્સો તેમાંથી ડીઝલની ચોરી કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં પોલીસ દોડી આવતાં આ શખ્સો નાસી ગયા હતા. 280 લીટર ડીઝલ, કેરબા, હથોડી પાઇપ વગેરે મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો.
આ અંગે બીપીસીએલનાં મેનેજર ઓપરેશન શુભદીપ આલોકેશ ચંદાએ કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તા. 16/08/2022ના કંડલા મરીન પોલીસ તેમજ કંપનીના સિક્યોરિટી ગાર્ડ નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન રેલવે ફાટક પાસે પહોંચતાં ડીઝલ જેવી પેટ્રોલિયમ પ્રવાહીની સુગંધ આવતાં પાઇપલાઇન ચેક કરતાં પાઇપલાઇનના પીલર નં. 812 અને 813ની વચ્ચેના ભાગે પાઇપલાઇનમાં કાણું પાડીને તેમાં પ્લાસ્ટિકની નળી લગાવેલી જોવા મળી હતી.
નળી થોડે દૂર માટીના ઢગલાની આડમાં પ્લાસ્ટિકના પડેલા કેરબા સુધી હતી. તેથી ત્યાં તપાસ કરતાં કેટલાક ઇસમો બેઠેલા જોવા મળ્યા હતા. પોલીસ તેમજ સિક્યોરીટી ગાર્ડ તે તરફ જતાં ઇસમો આહીર સોલ્ટ કંપનીના પાછળના ભાગેથી નાસી છુટ્યા હતા કેરબાની તપાસ કરતાં કુલ 35 કેરબા પૈકી 8 ડીઝલના ભરેલા હતા તેમજ 27 ખાલી જોવા મળ્યા હતા. આ ઉપરાંત આસપાસ તપાસ કરતાં પ્લાસ્ટિકની નળી, હથોડી, નાની કરવત સહિતનો મુદ્દામલ મળી આવ્યો હતો. જે કબજે કરવામાં આવ્યો હતો. આમ 8 કેરબામાં રૂપિયા 26,880ની કિંમતનું 280 લિટર ડીઝલ, પાઇપ, ખાલી કેરબા સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જે અંગે પોલીસે બીપીસીએલ કંપનીને જાણ કરતાં શુભદીપે આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.