શક્તિનગર સર્વિસ રોડ પર મોટા વાહને વાયરોને તોડતા મોડી રાતે મચી દોડધામ


ઓસ્લો ઓવરબ્રીજના કાર્યને આગળ વધારવતા ગાંધીધામના શક્તિનગર સર્વિસ રોડ પર બે દિવસ પહેલા જ ડાયવર્ઝન આપતા ભારે વાહનોનો ધસારો શરૂ થવાથી સ્થાનિકોએ વીજવાયરો, ટુંકા રોડ અને બાકી કામો પર ધ્યાન આપવા માટે તમામ આગેવાનો અને વિભાગોને પત્ર આપીને ચેતવ્યા, પણ કોઇએ આ અંગે ગંભીરતાથી ન લેતા જેનો ડર હતો, તેવું જ થયું હતું. ગત મોડી રાત્રે એક ઉંચા ભારે વાહને ચાલુ વાયરોને અડફેટે લેતા રસ્તો બંધ કરવો પડ્યો હતો.
શક્તિનગર સર્વિસ રોડ પાસેના સ્થાનિક રહેવાસી અમરદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે રવિવારના રાત્રે 11 વાગ્યે કન્ટેનર સાથેનું ભારે વાહન ઉપરથી પસાર થતા વીજવાયરોને પણ સાથે લેતા આખુ માળખુ ખેંચાયુ હતું અને ચાલુ વાયરો નીચે પડયા હતા. સ્થાનિકોએ દોડી આવી રોડ બંધ કરી પોલીસ અને વીજતંત્રને જાણ કરી. મોડી રાત્રે જેસીબી સાથે પીજીવીસીએલ વિભાગે આવી સ્થિતિને કાબુમાં કરવા પ્રયત્ન કર્યો હતો, જેથી પુરા વિસ્તારનો વિજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી, પરંતુ સ્થાનિકોએ ધ્યાન દોરવા છતાં નજરઅંદાજ કરાતા રોષની લાગણી ઉઠી હતી.