STના અનેક રૂટ રદ કરાતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા


ભુજમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઇને રાપર સહિત જિલ્લાના અનેક એસ.ટી. રૂટ રદ કરવામાં આવ્યા હતા, જેથી મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા તેમજ ભુજમાં સભા પૂર્ણ થયા પછી એસ.ટી. બસ માટીમાં ફસાઇ જવાથી લોકો અટવાયા હતા. ભુજિયાની તળેટીમાં આવેલ સ્મૃતિવન સહિત અન્ય પ્રોજેક્ટના લોકાર્પણ માટે ભુજમાં વડાપ્રધાન મોદીના રોડ શો સાથે કચ્છ યુનિવર્સિટી ખાતે સભા યોજાઇ હતી.
આ કાર્યક્રમમાં મેદની એકઠી કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોને ભુજ લઇ આવવા અને પરત મૂકવા માટે એસ.ટી. બસ ફાળવવામાં આવી હતી, જેથી જિલ્લાના અનેક લોકલ રૂટ રદ કરી દેવામાં આવ્યા હતા. રૂટ રદ કરાતા મુસાફરોએ નાછૂટકે ખાનગી વાહનોમાં ડબલ ભાડા આપી જોખમી રીતે મુસાફરી કરવા માટે મજબૂર થયા હતા.બીજી બાજુ ભુજમાં સભા પૂરી થયા બાદ ટ્રાફિક જામ થયો. કલાકો સુધી ટ્રાફિક જામના કારણે લોકોને પોતાની એસ.ટી. બસ ગોતવામાં મુશ્કેલી પડી હતી.
ઉપરાંત નખત્રાણા તાલુકાની પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી હતી, ત્યાં જમીન પોચી હોવાથી એસ.ટી. બસો ફસાઇ ગઇ હતી. એક બસને લોકો દ્વારા ધક્કા મારીને માંડ બહાર કાઢી ત્યાં બીજી બસ ફસાઇ જતાં ક્રેઇનની મદદ લેવી પડી હતી. મોબાઈલ નેટવર્કના અભાવના કારણે અનેક લોકો અટવાયા હતા અને રસ્તા પર બેસી રહેવુ પડયું હતું.