અમીરગઢ પાસે બનાસ નદીમાં મગર આવી ચડતા, લોકોમાં ભય


અમીરગઢ પાસે વહેતી બનાસ નદીમાં મગર જોવા મળતા લોકોમાં ભય ફેલાયો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજસ્થાનમાંથી મગર તણાઇને આવ્યો હોય તેવું લોકોનું કહેવું છે. અમીરગઢના જૂની રોહ પાસે વહેલી સવારે પસાર થતા લોકોને નદીમાં મગર દેખાતા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેમાં બનાસ નદીના પાણીમાં સદંતર વધારો થતો જોવા મળ્યો હતો. રાજસ્થાન તરફથી નીકળતી બનાસ નદીમાં અમીરગઢના જૂની રોહ પાસે એક મગર નદીમાં દેખા દેતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. સ્થાનિક લોકોએ વનવિભાગના કર્મચારીઓને જાણ કરી હતી.
વન વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોચી આવ્યા હતા. જોકે, તએ સમયે મગર બનાસ નદીના નિરમા ગરકાવ થઈ ગયો હતો. તો બીજી બાજુ બનાસ નદીમાં ન ઉતરવા વહીવટીતંત્રએ સૂચનાઓ આપી છે. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો બનાસ નદીમાં ન્હાવા પડે છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર સાવધ બને તે લોકહિતમાં છે.