ભુજમાં ભાવિ તબીબોનો ચિત્રરૂપે નિરૂપણ કરી, શરીર રચના અને કાર્ય શીખવાનો નવતર પ્રયોગ


સર્જનહારે માનવશરીરના અવયવોની કરેલી રચના અને કાર્ય વિશે ભુજની અદાણી મેડિકલ કોલેજના ભાવિ તબીબોએ પોતાના શરીર ઉપર જુદા જુદા અંગોનું ચિત્રકલાના માધ્યમથી શરીરરચના અને તેનું કાર્ય શીખવાનો નવતર પ્રયોગ કર્યો. આ અનોખા પ્રયોગમાં 150 તબીબ જોડાયા. એનાટોમી વિભાગ દ્વારા આયોજીત થયેલ ‘ધાઉ આર્ટ, માય કેનવાસ’(ભગવાન તારું સર્જંન મારા કેનવાસરૂપી અંગ ઉપર) કાર્યશાળામાં વિદ્યાર્થીઓએ પોતાની પીઠ, છાતી, હાથ-પગ, ચહેરા સહિતના જુદા જુદા અંગો પર પરસ્પરના સહકારથી ચિત્ર કર્યા હતા.
નવતર પ્રયોગને જી. કે. જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો વિશાળ આવકાર મળ્યો. આ અંગે ડો. સાગ્નિક રોયે કહ્યું કે એનોટોમી વિભાગ દ્વારા છાત્રોના ગ્રૂપ બનાવીને ક્લાવૃંદની હરીફાઈ યોજવામાં આવી હતી અને ભાગ લેનારનું સન્માન કરાયું હતું.
પ્રથમ નંબરે ટીશા શાહ, ધ્રુવી રાયઠઠા, મૈત્રી ધનેશા, દિક્ષા પટેલ, અને ફેનિલ પટેલનું ક્રિએટિવ ટ્રેલ્સ ગ્રૂપ રહ્યું હતું. મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઇએ કહ્યું હતું કે આવી અનોખી સહ-શૈક્ષણિક પ્રવૃતિથી જ્ઞાનમાં વધારો થાય છે. ડીન ડો. એ. એન. ઘોષે જણાવ્યુ હતું કે આ નવતર કાર્યક્રમે ગુજરાતની અન્ય મેડિકલ કોલેજને રાહ ચીંધી. આ પ્રસંગમાં ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેંદ્ર હિરાણી, એસો. ડીન ડો. એન. એન. ભાદરકા, મેડિકલ એડમીન હેડ કર્નલ ડો. રાજેશ નાયર સહિત વિવિધ વિભાગોના વડાઓ, તબીબો ઉપસ્થિત રહ્યા હતા.