38 કિલો હેરોઇન કેસમાં પંજાબ પોલીસે વધુ એક ધરપકડ જાહેર કરી

સરહદી લખપત તાલુકાના બુધુબંદર ખાતે પાકિસ્તાનથી હેરોઈનનો જથ્થો આવ્યો અને લક્કી ગામના બે ઇસમોએ આ માલ ખનીજ ભરેલી ટ્રકમાં ભરી અને પંજાબ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જે 190 કરોડના ડ્રગ્સ કેસમાં લક્કી ગામના બે ઈસમોની ધરપકડ બાદ પંજાબ પોલીસે વધુ એક ધરપકડ કરી છે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું કે, કચ્છમાંથી બે સહિત વધુ એક આરોપીને ઝડપી તેની પાસેથી 77 હજારની ડ્રગ મની રિકવર કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, સ્થાનિકે એજન્સીઓ ઊંઘતી ઝડપાયા બાદ ચેકિંગ વધારવામાં આવતા ગામમાં એજન્સીઓના આંટાફેરા વધી ગયા છે.

સૂત્રો એમ જણાવી રહ્યા છે કે, જે બે ઈસમો પકડાયા છે તેઓને આપવામાં આવેલા કોથળામાં 190 કરોડનો માલ હોવાની જાણ ન હતી. હાથો બનાવીને બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. તે દરમિયાન આર્મીના અધિકારી દ્વારા હેલિકોપ્ટર મારફતે વિઝીટ કરવામાં આવી હતી તો શુક્રવારે મોડી રાત સુધી બીએસએફના અધિકારીઓનું આવન જાવન ચાલુ રહ્યું હતું આ સિવાય સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીઓ ફરી એકવાર આ વિસ્તારમાં સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ તે જાણવા તપાસ કરી રહી છે.