ગાંધીધામની વચલી બજારમાં તસ્કરોનું સામુહિક આક્રમણ


ગાંધીધામ સંકુલમાં તસ્કરોએ વચલી બજારમાં સામુહિક આક્રમણ કરી 6 દુકાનોમાંથી રૂ. 98 હજારના મુદ્દામાલની ચોરીને અંજામ આપી કહેર ચાલુ રાખ્યો છે, આ ઘટનાથી વેપારીઓ ત્રસ્ત થયા છે જ્યારે પોલીસે સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે આ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભચાઉના રહેવાસી અને ગાંધીધામની મુખ્ય બજારમાં જીની એન્ડ જોની રેડીમેઇડ કપડાની દુકાન ધરાવતા જયેશભાઇ દિનેશભાઇ રાજગોરે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ, તેઓ તથા અન્ય વેપારીઓ અનિલભા કરશનભા ગઢવી, ગોપાલભાઇ પરિમલ ખુશવાણી, દિપકભાઇ ભચુભાઇ પ્રજાપતિ, નરેશભાઇ નાથુરમલ ચંદનાની અને સંતોષભાઇ ત્રિકમદાસ સોનિયા સવારે 10 વાગ્યે દુકાન ખોલીએ અને રાત્રે 9 વાગ્યાના અરસામાં દુકાનો બંધ કરીએ છીએ. તા.2/9 ના રોજ રાત્રે બધા દુકાન બંધ કરી ઘરે ગયા બાદ આજે સવારે દુકાને આવ્યા.
ત્યારે તેમની દુકાનના કાઉન્ટરમાં રાખેલો આગલા દિવસનો રૂ.22,000 નો વકરો તેમજ રૂ.50,000 ની કિંમતની 50 પેન્ટ, અનિલભા કરશનભા ગઢવીની ઉમેશ ટેક્ષટાઇલ્સના કાઉન્ટરમાંથી રૂ.18,000 રોકડ અને રૂ.500 ની કિંમતની 3 સાડીઓ, ગોપાલભાઇ પરિમલ ખુશવાણીની શૂઝની દુકાનમાંથી રૂ.1,250 રોકડ, દિપકભાઇ ભચુભાઇ પ્રજાપતિની દુકાનમાંથી રૂ.1,500 રોકડ, નરેશભાઇ નાથુરમલ ચંદનાનીની દુકાનમાંથી રૂ.2,800 રોકડ અને સંતોષભાઇ ત્રિકમદાસ સોનિયાની દુકાનમાંથી રૂ.1,000 રોકડ તથા રૂ.1,000 ની કિમતની 7 જીન્સ પેન્ટની ચોરી થઈ. આ પાંચે દુકાનોમાં દરવાજો તોડી ઘૂસેલા તસ્કરોએ રૂ.98,050 ની ચોરીને અંજામ આપ્યો હોવાનો ખ્યાલ આવતાં વેપારી એસોશીયેસનના પ્રમુખ રાજુભાઇને જાણ કરી આ બાબતે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.