13.40 લાખના ચીટિંગના કેસનો ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો


ભુજમાં વાહન લે-વેચનો વ્યવસાય કરતા ભાગીદારોને સસ્તામાં જુના વાહનો આપવાની લાલચ આપીને રૂપિયા 13 લાખ 40 હજારની ચીટીંગ કર્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા મુળ ગાંધીધામના હાલ વસ્ત્રા અમદાવાદ રહેતા જયેશ હરીભાઇ ઠકકર નામના શખ્સને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળતી માહિતી પરથી અમદાવાદથી ઝડપી લઇ ભુજ એ ડિવિઝન પોલીસ મથકનો ઠગાઇના કેસનો ભેદ ઉકેલી લીધો.
ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ગત 28 મે 2022ના રોજ નોંધાયેલ છેતરપીંડીના કેસમાં મીરજાપરમાં ગેરેજ ધારાવતા ઇરફાન રહીમભાઇ કડીવાલ અને તેમના ભાગીદાર રાજેન્દ્રસિંહ જાડેજા સાથે જુની ગાડીઓ વ્યાજબી ભાવે આપવાની લાલચ આપીને આરોપી જયેશે રૂપિયા 13 લાખ 40 હજારની ઠગાઇ કરી હતી. જે અંગે ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. આરોપી હાલ અમદાવાદ હોવાની પશ્ચિમ કચ્છ LCB ની ટીમને બાતમી મળતાં LCB ની ટીમ અમદાવાદ પહોંચીને આરોપીને ત્રાગડ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. મુદામાલ રોકડ રૂપિયા રીકવર કરવાની આગળની તપાસના ચક્રોગતિમાન કર્યા છે.