લક્કી ગામના યુવાનો ભેંસ શોધવાના બહાનાથી હેરોઇન લઈ આવ્યા, 190 કરોડના કેફીદ્રવ્યના મામલામાં અત્યાર સુધીમાં 6ની અટકાયત

image-36
copy image

પાકિસ્તાનથી બોટમાં ડ્રગ્સ આવ્યું અને તે બુદ્ધુબંદરે ઉતારાયુ ત્યાંથી બે લોકોએ કબ્જો મેળવી ટ્રક વડે પંજાબ મોકલ્યું.ચકચારી રહેલા આ ડ્રગ્સ કેસમાં આરોપીઓની ધરપકડ થયા પછી એક પછી એક નવા ખુલાસા થાય છે ત્યારે સાતમ-આઠમના દિવસે આ માલ આવ્યો હોવાનું માનવામાં આવે છે.

એકબાજુ એજન્સીઓ આ કેસમાં માત્ર તપાસનું રટણ કરે છે ત્યારે સુત્રોએ વિગત આપતા જણાવ્યું કે,પાકિસ્તાનથી બોટ વડે આ માલ સાતમ-આઠમના દિવસોમાં આવ્યો હતો તે સમયે લક્કી ગામના બે યુવાનો પોતાની ભેંસ ખોવાઈ ગઈ હોવાનું કહી આ સરહદી વિસ્તારમાં ગયા હતા અને પહેલાથી નક્કી કરેલા પ્લાન અનુસાર બુદ્ધુબંદર અને પીરજાપીર વચ્ચેના દરિયામાંથી માલ મેળવી લીધો.કોથળામાં રહેલું આ 190 કરોડનું 38 કિલો હેરોઇન ટ્રક વડે પંજાબ મોકલવાના કામ પેટે રૂ.90 હજાર મળ્યા હતા.

​​​​​​​આ કેસમાં લક્કીના 2 ઇસમો સહિત તાજેતરમાં વધુ એકની અટકાયત કરવામાં આવી.આ સિવાય પહેલા ટ્રકનો ડ્રાઇવર અને ક્લીનર તેમજ સ્થાનિકમાં મદદગારી કરનારની ઘરપકડ થઈ એમ કુલ ધરપકડનો આંક 6 થયો છે. જોકે મહત્વની વાત એ છે કે,પાકિસ્તાનથી બોટમાં માલ આવે અને અહીંથી બે લોકો આ ડ્રગ્સ છેક પંજાબ પહોંચાડે ત્યાં સુધીમાં કોઈ એજન્સીને ભનક ન થઈ તે સુરક્ષામાં પણ ગંભીર ચેડાં દર્શાવે છે.સુરક્ષામાં રહી ગયેલી ખામીના લીધે વાયા કચ્છ થઈ પંજાબ સુધી આ માલ પહોંચી ગયો હતો.