માંડવી તાલુકાનાં શેરડીમાં રસકસની દુકાનના તાળા તોડી 27 હજારના સામાનની કરાઇ ચોરી

માંડવી તાલુકાના શેરડી ગામમાં બંધ દુકાનના તાળા તોડી રૂ.27 હજારના સામાનની ચોરી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી. ગામમાં લગાવેલા કેમેરા જોતા બે ઇસમો સ્વીફ્ટ ગાડી લઈને આવ્યા અને સામાન ભરીને ગાયબ થઈ ગયા હોવાનું કેદ થયું છે, નાનકડા ગામમાં ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.

માંડવી તાલુકાના વાંઢ ગામમાં રહેતા અને શેરડીમાં અભય ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા વેપારી રમેશભાઈ કલ્યાણજી સંઘારે ગઢશીશા પોલીસમાં જણાવ્યું હતું કે, રાત્રે દુકાન બંધ કરીને ગયા અને સવારે આવીને જોતા દરવાજો ખુલ્લો જોવા મળ્યો  જેથી તપાસ કરતા ગલ્લામાં રહેલા રૂ.2 હજાર જોવા મળ્યા નહીં તેમજ વધુ તપાસ કરતા રૂ 7500 ની કિંમતના સ્વામી કપાસિયા તેલના 3 ડબ્બા,કપાસિયા તેલના 4 હજારના 3 કેરબા,રૂ.2850 ની 75 કિલો ખાંડ, બીડી-પાનમસાલા-તમાકુ, બિસ્કિટ, વેફર, ચાની ભૂકી સહિતનો રૂ 12 હજારનો અન્ય માલ મળી 27,350 ની તસ્કરી થઈ હતી. જેથી ગામમાં તપાસ કરી પંચાયત દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચકાસતા રાતના અઢીથી 3 વાગ્યાના અરસામાં સ્વીફ્ટ ગાડીમાં આવી 2 ઇસમોએ તસ્કરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. ગાડીમાં નંબર જોવા મળ્યા હતા નહી. તપાસ પીએસઆઇ બી.જે. ભટ્ટને સોંપવામાં આવી છે.