નાના અંગીયામાં સામાન્ય બાબતે સામસામે હથોડીથી હુમલા


નખત્રાણા તાલુકાના નાના અંગીયા ગામમાં પારિવારીક મુદ્દાને લઇ યુવાન અને આધેડ વચ્ચે બોલાચાલી થયા પછી સામસામે લોખંડની હથોડીથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવમા બન્નેને ઇજા પહોંચી હતી. નખત્રાણા પોલીસ મથકમાં બન્ને પક્ષે ફરિયાદ દર્જ કરાવી હતી.
મળતી માહિતી અનુસાર નાના અંગીયા ગામમાં રહેતા નારણભાઇ રતનશીભાઇ કેશરાણી (ઉ.વ.53)એ ગામના રાહુલ જેઠાભાઇ લોંચા સામે ફરિયાદ કરી હતી. આ ઘટના બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેશન પર બની હતી.
ફરિયાદીએ આરોપીને કહ્યું કે, તુ દારૂ પીને તારી પત્નીને રોજ કેમ મારશ જેથી આરોપી રાહુલ ઉસ્કેરાયો હતો. અને પોતાના પ્લમ્બીગ કામના સાધનોના થેલામાંથી હથોડી કાઢી નારણભાઇના નાક પર અને આંખની ઉપરના ભાગમાં મારીને લોહીલુહાણ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
તો, આ અંગે પ્રતિ ફરિયાદમાં રાહુલ જેઠાભાઇ લોંચાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી મારી પત્ની અંગે વાત કરતાં ફરિયાદીએ આરોપીને જણાવ્યું હતું કે, તમારો દિકરો મોટો થયો તોય હજુ ફર્યા કરે છે. જેથી આરોપી નારણભાઇ ઉશ્કેરાઇ ફરિયાદી સાથે ગાળા ગાળી કરી જાતિ અપમાનિત કરી માથાના ભાગમાં લોખંડની હથોડી મારી ઇજા પહોંચાડી હતી. નખત્રાણા પોલીસ દ્વારા બન્ને પક્ષની ફરિયાદ લઇ આરોપીઓ વિરુદ્ધ એકટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.