લોરિયાની સીમમાંથી વાયરની તસ્કરી કરનાર 8 સખ્શો પકડાયા

ભુજ તાલુકાના લોરીયા ગામના સીમાડામાં આવેલા વીજ ટાવરમાંથી વાયરોની તસ્કરી કરનારા આઠ આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડીને માધાપર પોલીસ મથકના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો. ચોરના કબજામાંથી 28 હજારના 2 હજાર કિલો ચોરાઉ વાયર, ત્રણ લાખનો ટેમ્પો, બે લાખની બોલેરો જીપ, વાયર કાપવાની કટર, ત્રણ મોબાઇલ અને રોકડ રૂપિયા સહિતનો મુદામાલ કબજે કર્યો.

મળતી માહિતી અનુસાર એલસીબીએ બાતમીના અધારે લોરીયા ગામની સીમમાં વાયરની તસ્કરી કરનારા ભુજ તાલુકાના કમાગુના ગામમાં રહેતા રઝાક ઇભલા ત્રાયા, રહે અલ્તાફ અલીમામદ ખલીફા રહે સુખપર, ખીમજી શામજી બ્રહ્મભટ્ટ, રહે સુખપર, જાવેદ સાલેમામદ ત્રાયા રહે ભુજ,સુમાર હુશેન જત રહે ઝુરા, નામના આરોપીઓને કુનરીયા ગામના પાડીયા પાસેથી ટ્રકમાં ચોરાઉ વાયર સાથે પકડી પાડ્યા હતા.

ત્યારબાદ માધાપર ભુજોડી રોડ પરથી બોલેરો જીપમાં ચોરાઉ વાયર સાથે જાવેદ કાસમ ગગડા, રીયાઝ સીધીક ગગડા, કાસમ ફકીર મામદ કેવર નામના ત્રણ ઇસમોને બોલેરો જીપમાં ચોરાઉ વાયર સાથે પકડ્યા હતા. આરોપીઓની પુછતાછમાં લોરીયા ગામની સીમમાં વીજ લાઇનના ટાવરમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ઉપરાંત ચોરીનો મુદામલા લેનાર અમનનગર ચોકીથી ભીડ ગેટ તરફ રહેતા ઇમરાન કુંભાર, અદ્રેમાન ઉર્ફે ઇદીયો મોરારીયા રહે ભુજના નામ સામે આવ્યા હતા. પકડાયેલા આરોપીઓને મુદામાલ સહિત માધાપર પોલીસને આગળની કાર્યવાહી માટે એલસીબી દ્વારા સોપાયા હતા.