ડીસામાં હાઈવે પરની મોઢેશ્વરી સોસાયટી પાસે છોટાહાથીની હડફેટે લેતા આધેડનું મૃત્યુ

ડીસા – પાલનપુર હાઇવે પરની મોઢેશ્વરી સોસાયટી પાસે રાત્રિના સમયે છોટાહાથીના ચાલકે આધેડને ટક્કર મારતાં મૃત્યુ થયું હતું. આ વિશે ડીસા શહેર દક્ષિણ પોલીસે છોટાહાથીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કૃ તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતાં એલીવેટેડ ઓવરબ્રિજ નીચે મોઢેશ્વરી સોસાયટી પાસે જીજે-08-એયુ-0402 નંબરના છોટાહાથીના ચાલકે રાત્રે રાહદારી આધેડને ટક્કરે લેતાં અકસ્માત સર્જાયો. અકસ્માતમાં દિલીપભાઇ ઠક્કર (55) રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દિલીપભાઈ ઠક્કરનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું.
ચાલક અકસ્માત પછી ગાડી મૂકી નાસી ગયો હતો. આ ઘટનાને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી અને લાશને પી.એમ. માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે અકસ્માત કરી ભાગી ગયેલા છોટાહાથી ગાડીના ચાલક સામે દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી.