મુંબઈથી ટ્રકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને આવતા ડ્રાઈવર-ક્લીનરને સેવાલીયા પોલીસે ઝડપ્યા

copy image

ઈન્દોરના અનમોલ ટ્રાન્સપોર્ટના ઇસમે મુંબઈથી ટ્રકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ટ્રકમા લોડ કરાવી ડ્રાઈવર ક્લીનરને ખેડા જિલ્લાના બૈડપ સીમમા રવાના કર્યા પણ સ્થાનિક પોલીસના હાથે પકડાઈ ગયા. પોલીસે કુલ રૂપિયા 28.80 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક મળી કુલ રૂપિયા 33 લાખ 88 હજાર 530નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ડ્રાઇવર ક્લીનર તથા દારૂનો જથ્થો ભરાવનાર ઈસમ મળી કુલ 3 સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશનના કર્મીઓ ગતરોજ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદ- ઈન્દોર હાઇવે ઉપર બૈડપ ગામની સીમમાં આવેલ ન્યુ મીરા ઢાબાના કમ્પાઉન્ડમાં એક સફેદ કલરની ટાટા ટ્રક મુકેલ છે જેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરેલ છે. આથી પોલીસે અહીંયા આવી તપાસ કરતા બાતમી વાળી ટ્રક નંબર MP-09-GF-5173 ઉભી હતી.

ટ્રકમાં બેઠેલા ડ્રાઇવર અને ક્લીનરની પૂછપરછ કરતાં આ બંનેના નામ ઠામ પૂછતા આ બંને પોતાના નામ શબીરઅલી મહેબુબઅલી શેખ (રહે.મનાવર, મધ્યપ્રદેશ અને રઉફ લતીફ શેખ (રહે.ઈન્દોર, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંનેને સાથે રાખી ટ્રકના પાછળના ભાગે તાડપત્રી ખોલી તપાસ કરતા અલગ અલગ માર્કાની ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી હતી. પોલીસે આ ટ્રક જપ્ત કરી ઉપરોક્ત આરોપીઓ સાથે પોલીસ સ્ટેશનને લાવી ધનિષ્ઠ પુછપરછ હાથ ધરી તો બીજી બાજુ પોલીસે પંચોને બોલાવી ઉપરોક્ત ઇંગ્લિશ દારૂનો જથ્થાની ગણતરી કરી. જેમાં 600 નંગ પેટીઓમ પ્લાસ્ટિકના ક્વાર્ટર નંગ 28,800 કિંમત રૂપિયા 28 લાખ 80 હજાર મળ્યા.

પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો તે દિશામાં ઉપરોક્ત બંને આરોપીઓની પૂછપરછ કરતા આ બંને આરોપીઓએ જણાવ્યું હતું કે, ઇન્દોરના અનમોલ ટ્રાન્સપોર્ટના સતનામસિંઘ સરદારે ટ્રક લઈ અમોને મુંબઈ જવાનુ કહ્યું હતું જે બાદ સતનામસિંઘના સંપર્કથી મુંબઈ મધ્યેથી દારૂ ભરાવી ગુજરાતના વડોદરા મધ્યે લઈ જવાનું કહ્યું હતું અને વડોદરાથી આ ઇસમે ગોધરા થઈ સેવાલિયા આગળ જઈ નજીકમાં આવેલ હોટલે ગાડી ઉભી કરી દેજો જે બાદ હું જણાવું ત્યા આ દારૂનો જથ્થો પહોચાડવાનો હોવાની કબૂલાત કરી. આ રીતે સેવાલીયા પોલીસે આ ગુનામાં અટક કરાયેલા બે આરોપી અને દારૂનો જથ્થો ભરી આપનાર મળી કુલ 3 સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી ટ્રક મળી કુલ રૂપિયા 33 લાખ 88 હજાર 530નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.