ડીસામાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે આંદોલનની શરૂઆત કરાઇ

copy image

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી સરકાર સામે લડતની શરૂઆત કરી છે. જિલ્લામાં 461 મહેસૂલી કર્મચારીઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી 17 જેટલી પડતર માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતારવાની ચિમકી આપી છે.

જૂની પેન્શન યોજનાના અમલીકરણ સહિત વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારી કર્મચારીઓ આંદોલનના માર્ગ અપનાવ્યો છે. ત્યારે ડીસા મહેસૂલી કર્મચારી મંડળના આગેવાન ધનજીભાઈ જોશીએ જણાવ્યું છે કે, જુની પેન્શન યોજના સહિતના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળની સાથે બનાસકાંઠા જિલ્લાના 461 જેટલાં મહેસુલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છીએ. મહેસૂલી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પગારપ્રથા બંધ કરવી, 7મા પગાર પંચના વિવિધ ભથ્થાની ચુકવણી સહિતના 17 જેટલા પડતર પ્રશ્નોને લઇ આજે રાજ્યની સાથે બનાસકાંઠામાં પણ કર્મચારીઓએ લડતની શરૂઆત કરી છે.

તેમજ જો સરકાર ઉકેલ  નહીં લાવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. મહેસુલી કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરતા જ અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની સરકારી કચેરીમાં આવતા અરજદારોને ધક્કા ખાઈને પાછા જવું પડ્યું. જેથી સરકાર કર્મચારીઓ સાથે યોગ્ય ફેસલો કરી લોકોને ધક્કા ખાવાની હેરાનગતિમાંથી મુક્તિ અપાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.