ભૂજ પાલિકા કચેરીમાં કોંગેસના આગેવાનોએ વિચિત્ર રીતે વિરોધ નોંધાવ્યો: નગરપાલિકામાં ગટરના પાણી રેલાવી


ભૂજ શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરના પાણી જાહેર માર્ગ પર રેલાતા હોવાની સમસ્યા વિશે નિરાકરણ લાવવાની માગ સાથે આજે સોમવારે કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા નગરપાલિકા કચેરી મધ્યે પહોંચી ગટરના પાણી ભરેલી બોટલોમાંથી દૂષિત પાણી નગરપાલિકા કચેરીમાં રેલાવામાં આવ્યા હતા. કોંગીજનોએ હાય રે ભાજપના નારા ઉચ્ચારી પ્રમુખની ચેમ્બર બહાર ગટરના પાણી ઢોળી વિચિત્ર રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે, ગટર સમસ્યાથી કંટાળેલા શહેરીજનોના પ્રશ્નો વિશે અનેક રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિકાલ ના આવતા આ પ્રકારે તંત્રનું ધ્યાન ખેંચવામાં આવ્યું હોવાનું પક્ષના આગેવાનોએ જણાવ્યું હતું.
આજે ભુજ નગરપાલિકા કચેરી મધ્યે પહોંચેલા કોંગ્રેસ સમિતિના વિરોધ પક્ષના નેતા કાસમ સમાં, નગરસેવક અમીષ મહેતા, કિશોરદાન ગઢવી, આયસુબેન સમાં સહિતના આગેવાનોએ શહેરની ગટર સમસ્યાનો નિરાકરણ લાવવા ગટરના પાણી સાથે નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગીજનોએ ગટર સમસ્યાનો નિકાલ લાવવા આમંત્રણ પત્રિકા છપાવી પ્રમુખની ચેમ્બર બહાર લગાવી અને ત્યારબાદ સાથે લાવેલા ગટરના પાણી કચેરીમાં ઢોળ્યા હતા. તેમજ હાય રે ભાજપના નારા પણ ઉચ્ચાર્યા હતા. જોકે નગરપાલિકાના પ્રમુખ હાજર ના મળતા બાદમાં કોંગીજનોએ કચેરીને તાલાબંધી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ત્યાં ઉપસ્થિત પોલીસે કોંગ્રેસ આગેવાનોને દૂર કરી તાળાંબંધીનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો હતો. અલબત્ત કોંગ્રેસના નવતર વિરોધની ઘટના સમગ્ર શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની.