મુંબઇથી 9.90 લાખનું MD ડ્રગ્સ મંગાવી ભરૂચમાં ધંધો કરનારા બે આરોપી ઝડપાયા

ભરૂચ SOG ટીમના હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહને ચોક્કસ બાતમી મળી કે, જંબુસર બાયપાસ રોડ પર આવેલી નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતો સલમાન મુસ્તાક પટેલ મુંબઇથી ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યો છે અને તે રેલવે સ્ટેશનના મોફેસર જીન કંપાઉન્ડ પાસે પહોંચવાનો છે. જેના પગલે SOG PI વી. કે. ભુતિયાએ ટીમના PSI એમ. આર. શકોરિયા, PSI પી. એમ. વાળા સહિતની ટીમ સાથે મોફેસર જીન કંપાઉન્ડ પાસે પહોંચ્યા હતા. તે દરમિયાન સલમાન ત્યાં પહોંચતા ટીમે તેને દબોચી લીધો હતો. પોલીસે તેના સામાનનું ચેકિંગ કરતાં તેની પાસેથી 99 ગ્રામ એટલે કે 9.90 લાખની મત્તાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલાત કરી હતી કે, શહરના કાળી તલાવડી વિસ્તારમાં આવેલી વસીલા સોસાયટી ખાતે રહેતો અને કુખ્યાત ગુનેગાર ઇમરાન શૌકત ખીલજીએ તેની પાસેથી ડ્રગ મંગાવ્યું હતું. જેના પગલે ટીમે ઇમરાન શૌકત ખીલજીને પણ દબોચી લીધો હતો. ટીમે આરોપીઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ, બે મોબાઇલ મળી કુલ 10.10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કાર્યવાહીના પગલે ડ્રગ્સનો વેપલો ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
એસઓજીએ મુંબઇથી ડ્રગ્સ લાવનાર સલમાનની ટીમે ધરપકડ કરતાં તેને ઇમરાન શૌકાત ખીલજીએ ડ્રગ્સ મંગાવ્યું હોવાની કબુલાત કરતાં બન્નેની ધરપકડ કરી છે. હાલમાં બન્નેના રિમાન્ડ મેળવવાની કવાયત ચાલી રહી છે. અન્ય કોણ કોણ સંડોવાયું છે તેની તપાસ થશે. – ડો. લીના પાટીલ, એસપી, ભરૂચ.