મુંદ્રાના પત્રી ગામના મહિલા તલાટીને 1500 રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા

Z-51

કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના પત્રી ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મહિલાને રૂપિયા 1500ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા. ફરિયાદીની મંજૂર થયેલી લોનના જામીનદારના આકારણી પત્રમાં સહી સિક્કા સાથે પ્રમાણપત્ર આપવા બદલ મહિલા તલાટીએ લાંચની માંગણી કરી હતી. જે ફરિયાદી આપવા ન માંગતા હોવાથી એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ ષડયંત્ર ગોઠવી રૂપિયા 1500ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા હતા.

મુંદ્રા તાલુકાની પત્રી ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મિતલબેન ભગવતીપ્રસાદ રાવલને એસીબીએ રૂપિયા 1500ની લાંચ લેતા પકડ્યા હતા. આ કામના ફરિયાદીની પત્નિના નામે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હી અને રાજ્ય સરકાર દ્રારા અમલીત સીધા ધિરાણ ’’Small Business’’ યોજના હેઠળ ગોપાલક વિકાસ નિગમ ગાંધીનગર મધ્યેથી બે લાખ રૂપિયાની લોન મંજૂર થઈ હતી. જે લોનના જામીનદારના મકાનના આકારણી પત્રકમાં સહી સિક્કા સાથે પ્રમાણપત્ર મેળવવા માટે આરોપીએ રૂ.1500ની લાંચની માંગ કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીમાં ફરીયાદ નોધાવતા આજરોજ ગોઠવેલ લાંચના પ્લાન દરમિયાન આરોપીએ ફરીયાદી પાસે લાંચની માંગણી કરી રૂપિયા 1500 સ્વીકારતા ઝડપાયા.

કચ્છ જિલ્લામાં એસીબીએ આજે મહિલા તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગેહાથ પકડી પાડતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ઊભો થયો છે. કચ્છ પશ્ચિમ એસીબીના પોલીસ ઈન્સપેક્ટર પી.કે.પટેલની ટીમ દ્વારા સફળ ટ્રેપ કરાઈ હતી.