350 કર્મીઓ સામૂહિક માસ સીએલ પર, સરકારી કચેરીઓમાં કામકાજ ઠપ

copy image

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ સાથે જોડાયેલા કર્મચારીઓ સોમવારે સાગમટે માસ સીએલ પર ઉતરી જતાં સરકારી કામકાજ ઠપ્પ થયુ હતું. ખેડા જિલ્લામાં નડિયાદ, મહુધા, કપડવંજ, ખેડા, માતર, ઠાસરા અને ગળતેશ્વર તાલુકા મથકો પર આવેલ મામલતદાર કચેરી તેમજ જિલ્લાની ચાર પ્રાંત કચેરી સહિત કલેક્ટર કચેરીના ના.મામલતદાર થી તલાટી સુધીના 350 કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા.

મામલતદાર કચેરીમાં હજુ તો આઉટસોર્સિંગ કર્મચારીઓની હડતાલ ચાલે છે ત્યારે મહેસુલી કર્મચારીઓ પણ માસ સીએલ પર ઉતરતા કચેરીઓ દિવસ દરમિયાન સુમસામ થઈ હતી. કર્મચારીઓની પડતર માંગણીઓ જેવી કે જૂની પેન્શન યોજના ચાલુ કરવી, ફિક્સ પગાર મુદ્દે સરકાર દ્વારા સુપ્રીમમાં કરેલ પીટીશન પરત ખેંચવી, 7માં પગાર પંચના ભથ્થા એરીયર્સ સહિત ચૂકવવા, 2012 થી કામો કરતા ક્લાર્કોને નાયબ મામલતદારમાં પ્રમોશન આપવા સહિત જુદી જુદી 17 માંગણીઓ છે. હવે 27 સપ્ટેમ્બર સુધી માંગણીઓ સંતોષાશે નહિ તો કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે.