અમરાઈવાડીની યુવતીના MP માં લગ્ન થયાં હતાં, 10 લાખના દહેજની માગણી કરનારાં પતિ અને સાસુ સામે ફરિયાદ


અમરાઈવાડીની યુવતીને મધ્ય પ્રદેશમાં રહેતાં સાસુ અને પતિએ દહેજ પેટે રૂ.10 લાખની માગણી કરી ધાકધમકી આપી ઘરમાંથી કાઢી મુકતાં, યુવતી તેના પિયેર આવી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરાઈવાડીમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન 2017માં મધ્ય પ્રદેશમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના માત્ર ચાર દિવસમાં જ પતિ તથા સાસુ ઘરકામ બાબતે નાની-નાની વાતે ભૂલો કાઢી, અપશબ્દો બોલી, મારકૂટ કરી, તુ દહેજમાં કંઈ લાવી નથી તેમ કહીને .રૂ.10 લાખની માગણી કરતા હતા.
યુવતીએ દહેજ લાવવાની ના પાડતાં સાસુ અને પતિએ મારકૂટ કરી, અને તુ દહેજ નહીં લાવે તો જાનથી મારી નાખીશુંની ધમકી આપી યુવતીને ઘરમાંથી કાઢી મૂકતાં યુવતીએ પિતાને ફોન કરી પોતાને લેવા મધ્ય પ્રદેશ બોલાવતાં, તેઓ દીકરીને અમદાવાદ લઇ આવ્યા હતા. આ અંગે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.