:આજથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવનાર અને ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો પાસે બાયોડેટા મંગાવ્યો હતો.બાયોડેટા આપનાર અને ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોને આજથી કમિટી દ્વારા બોલાવીને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તથા ચૂંટણી જીતવા માટે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ત્રણ જિલ્લા વચ્ચે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષ નેતા, પૂર્વ વિપક્ષ નેતા તથા એક સિનિયર નેતા રહેશે. કમિટી દ્વારા ચૂંટણી લડવા માટે બાયોડેટા આપેલ તથા ઇચ્છતા ઉમેદવારો સાથે વાતચીત કરવામાં આવશે.
ઇન્ટરવ્યૂ થયા બાદ ક્યાં ઉમેદવારનો જે તે વિધાનસભા વિસ્તારમાં કેટલો પ્રભાવ છે તથા ક્યાં ઉમેદવાર ચૂંટણી લડી શકે તેમ છે તથા પક્ષને જીત અપાવી શકે છે તે તમામ મુદ્દા ધ્યાનમાં રાખીને કમિટી દ્વારા કેટલાક નામની પસંદગી કરવામાં આવશે. આ પસંદ કરેલ નામ હાઈ કમાન્ડને મોકલવામાં આવશે અને તેમાંથી હાઈ કમાન્ડની મ્હોર લાગતા 2022ની વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવશે.
અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાની વિધાનસભા બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના નેતાઓએ દાવેદારી નોંધાવી છે. NSUI ના નેતાઓએ પોતાને તે જ બેઠક માટે લાયક ગણાવ્યાં છે જ્યાં હાલ કોંગ્રેસના ધારાસભ્યોની ટર્મ ચાલુ છે. NSUI ના નેતાઓએ જે બેઠકો પર દાવેદારી નોંધાવી છે ત્યાં 5 બેઠકો અમદાવાદની અને 5 બેઠકો અલગ અલગ જિલ્લાની છે. હવે આ બાબતે અંતિમ નિર્ણય પક્ષ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની 182 બેઠકો પર કોંગ્રેસના 600થી વધુ દાવેદારો ચૂંટણી લડવા તૈયાર થયાં છે.