જુહાપુરામાં વૃદ્ધને દોરીથી બાંધી સવા લાખની લૂંટ કરનારા 3 આરોપી ઝડપાયા, પાડોશમાં જ રહેતા યુવકે લૂંટનું ષડયંત્ર ઘડ્યું 

copy image

વેજલપુરમાં વૃદ્ધને ઘરમાં પૂરી રાખી રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1.20 લાખની લૂંટ કરનાર ત્રણ આરોપીને વેજલપુર પોલીસે લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. જુહાપુરાની ખાદીમ સોસાયટીમાં રહેતા જમાલુદ્દીન વઢવાણિયા તેમના ઘરમાં હતા,ત્યારે બે માણસોએ તેમના ઘેર આવી મકાન વિશે વાતચીત કરી જમાલુદ્દીનના હાથ-પગ બાંધી મોં પર સેલોટેપ મારીને લોકરમાંથી 1.11 લાખ સહિત કુલ રૂ.1.27 લાખની લૂંટ કરી ફરાર થતા વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા વોચ ગોઠવી, બાતમીના આધારે રાહીલ શેખ, કાસમ શેખ અને શહેબાજ મોમીન (તમામ રહે. જુહાપુરા-સરખેજ)ને ઝડપી પાડી પૂછપરછ કરતાં શહેબાજે જણાવ્યું કે, તેની બાજુના મકાનમાં રહેતા વૃદ્ધ જમાલુદ્દીનના મકાનના કાગળોમાં સહી કરાવી, ઘરમાં પડેલી રોકડ તથા વસ્તુની લૂંટ કરવાનો પ્લાન ઘડી ત્રણેયે તેમના મકાનમાં ઘૂસી લૂંટ કર્યાનું જણાવ્યું હતુ. પોલીસે ત્રણેય આરોપી પાસેથી લૂંટના રૂ.1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
73 વર્ષના વૃદ્ધે મકાન વેચવા કાઢયું હોવાથી ગ્રાહકના સ્વાંગમાં 2 લૂંટારુ ભર બપોરે તેમના ઘરે આવ્યા હતા. બંને લૂંટારુએ નાયલોન દોરીથી વૃદ્ધના હાથ – પગ બાંધી દઈ મોઢા ઉપર સેલોટેપ મારી ચેકો ઉપર જબરસ્તીથી સહીંઓ કરાવી લીધી હતી. ત્યારબાદ ઘરમાંથી રોકડા રૂ.1.11 લાખ અને 2 મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા.