મહેમદાવાદના છાપરાથી L&T યાર્ડમાંથી રૂપિયા 2.80 લાખની ચોરી કરી ફરાર થયેલા 4 ચોર ઝડપાયા

copy image

બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હાલ L&T કંપની સંભાળે છે. ખેડા જિલ્લામાં તેના સ્ટોર યાર્ડ આવેલા છે. જેમાં કેટલાક સખ્શો પ્રવેશી ચોરીને અંજામ આપે છે. મહેમદાવાદના છાપરા ગામમાં L&T યાર્ડમાંથી રૂપિયા 2.80 લાખના લોખંડના એડેપ્ટરોની ચોરી કરી ફરાર થયેલા 4 ચોર ખેડા રોડ પરથી મહેમદાવાદ પોલીસના હાથે પકડાઈ ગયા છે. આ ચોર પાસેથી પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ તેમજ વાહન મળી કુલ રૂપિયા 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મહેમદાવાદ પોલીસના માણસો ગતરોજ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાતમીના આધારે ખેડા રોડ ઉપરથી પસાર થતી એક સફેદ કલરની બોલેરો પીકપ ગાડી નંબર GJ 06 AZ 3839ને અટકાવાઈ હતી. જેમાં સવાર ચાર સખ્શ શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે આ ચારેય સખ્શોની પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમા તેઓએ પોતાના નામ પ્રવીણ ફતાભાઈ પરમાર (રહે‌.દેવકી વણસોલ ભુગજીપુરા, તા.મહેમદાવાદ), સુરેશ મેલાભાઈ ગોહિલ, જનક રામસિંગ સોઢા પરમાર અને ગણપત ઉર્ફે ઘનો રાવજીભાઈ ઝાલા (ત્રણેય રહે.છાપરા, તા.મહેમદાવાદ) હોવાનું જણાવ્યું.

પોલીસે વાહનની તલાસી લેતા તેમાંથી લોખંડના એડેપ્ટરો નંગ 295 કિંમત રૂપિયા 2 લાખ 80‌ હજારના મળ્યા હતા. આ એડેપ્ટરો ક્યાંથી લાવ્યા તે અંગે પોલીસે તપાસ કરતા આ પકડાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે, ગત 17મી સપ્ટેમ્બરના રોજ રાત્રે મહેમદાવાદના છાપરા સ્થિત આવેલ L&T યાર્ડમાંથી ચોરી કરવાની  કબૂલાત કરી હતી. આથી પોલીસે આ તમામ સખ્શો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા ચાર આરોપીઓ બીજા કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે ઉપરાંત પૂર્વે તેઓ અન્ય કોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બીજા કેટલા ગુનાઓ આચરેલા છે તે અંગે ગુનાહિત ઇતિહાસની તપાસ  પોલીસે હાથ ધરી છે.