મહેસુલી કર્મચારીઓની હડતાળથી કચેરીઓ ખાલી


જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ અંગે સરકારે કોઇ નિર્ણય નહીં લેતાં રાજ્ય મંડળની સાથે મહેસાણા જિલ્લાના વર્ગ-3 ના તમામ મહેસુલી કર્મચારીઓ સોમવારે માસ CL પર ઉતરી ગયા હતા. જેને લઇ કલેક્ટર કચેરી, પ્રાંત અધિકારી કચેરી તેમજ મહેસાણા સહિત જિલ્લાના તમામ 10 તાલુકાની મામલતદાર કચેરીઓ ખાલીખમ જોવા મળી હતી.
મહેસુલી કર્મચારીઓની હડતાળને લઇ વિવિધ કામ માટે આવેલા અરજદારોને ધક્કો ખાવો પડ્યો હતો. મામલતદાર અને પ્રાંત કચેરીની તમામ શાખાઓમાં કર્મચારીઓ વગર ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આવી હાલત કલેક્ટર કચેરીની જમીન, ફોજદારી સહિતની શાખાઓમાં પણ હતી. મામલતદારમાં માત્ર સબ રજીસ્ટ્રાર શાખા ચાલુ જોવા મળી હતી.
મહેસાણા મામલતદાર કચેરીના ATVT સેન્ટર આગળ રોજની જેમ સોમવારે સવારે 10.30 વાગે શાખા ખુલે તેના એક કલાક પહેલાં અરજદારો આવક, જાતિ સહિતના દાખલા કઢાવવા માટે લાઇનમાં ગોઠવાઇ ગયા હતા. પરંતુ 11.30 વાગ્યા છતાં શાખા ન ખુલતાં અરજદારોને ખબર પડી કે માસ CL કામ નહીં થાય એટલે ખાલી હાથે ઘરે પરત ફર્યા હતા.
અહીં મહેસાણા હાઉસિંગ બોર્ડના રહીશ રતિલાલ પરમાર આવકના દાખલા માટે, ગુરુનાનક સોસાયટીના સુનીલ પાવઠીયા ભત્રીજા માટે EWSનું પ્રમાણપત્ર કઢાવવા, હૈદરીચોકના આયકભાઇ આયુષ્યમાન કાર્ડ કઢાવવા જરૂરી આવકના દાખલા માટે આવ્યા હતા. કલાક સુધી રાહ જોયા બાદ પરત ફર્યા હતા. મામલતદારમાં પુરવઠા શાખા બંધ હોવાના કારણે રેશનકાર્ડ માટે આવેલા અરજદારોને ફેરો પડ્યો હતો.