માસ CL પર જતાં જિલ્લાના 6255 પ્રા.શિક્ષકોને નોટિસ

જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો હલ નહીં થતાં આંદોલનના ભાગરૂપે મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો ગત શનિવારે માસ CL પર ઉતરી ગયા હતા. આવા 6255 શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા સોમવારે નોટિસો ફટકારવામાં આવી. જેમાં માસ CLના કારણે શાળાના શૈક્ષણિક કાર્યમાં અસહકાર આપ્યાનું ફલિત થતું હોઇ આપની વિરુદ્ધ નિયમોનુસાર કાર્યવાહી કેમ ન કરવી તે અંગે 7 દિવસમાં ખુલાસો કરવો, નહીં તો નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરાશે તેમ જણાવાયું.
બીજી બાજુ, શિક્ષક સૂત્રોએ કહ્યું કે, પડતર પ્રશ્નો હલ ન થતાં અન્ય સરકારી વિભાગના કર્મચારીઓએ પણ માસ CL કાર્યક્રમ આપ્યો હતો, તો માત્ર શિક્ષકોને શા માટે નોટિસ? શિક્ષકોમાં આ કાર્યવાહી મામલે સરકારનાં બેવડાં ધોરણોને લઇને અંદરખાને નારાજગી પ્રસરી છે.
સરકારમાં વારંવાર રજૂઆતો પછી પણ માંગણીઓ સંતોષવામાં નહીં આવતાં ગત 17 સપ્ટેમ્બરે શિક્ષકો માસ CL પર ઉતરી શાળાના કામકાજથી અળગા રહ્યા હતા. જેમાં જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના કુલ 6637 પૈકી 6255 શિક્ષકોએ રજા પાડી હતી. સોમવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આદેશના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વિસ્તારની પગાર કેન્દ્ર શાળાને ઇ-મેઇલથી નોટિસ મોકલી અને ત્યાંથી વિસ્તારની શાળાઓના આચાર્યો મારફતે શિક્ષકોને ખુલાસો પૂછતી નોટિસ બજાવવામાં આવી.
નોટિસમાં જણાવ્યા પ્રમાણે, ગત તા.17મી સપ્ટેમ્બરે માસ CL પર ગયા હતા, જેના કારણે શાળાના શૈક્ષણિક કાર્યમાં અસહકાર આપ્યાનું ફલિત કરે છે. આ બાબતે નિષ્ઠાનો અભાવ હોવાનું ફલિત થાય છે અને બાળકોના શિક્ષણને ગંભીર અસર પડી છે. જે બદલ નિયમોનુસાર કાર્યવાહી કેમ ન કરવી આ અંગે 7 દિવસમાં ખુલાસો કરવાનો રહેશે. સમય મર્યાદામાં ખુલાસો નહીં મળે તો નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવા વડી કચેરીને જાણ કરાશે.