માણસાના રાજ બંગ્લોમાં થઈ ચોરી

copy image

ગાંધીનગરના સેક્ટર 30માં રહેતા પરિવારનું માણસા શહેરમાં ગાંધીનગર રોડ પર આવેલા રાજ બંગલોઝમાં મકાન આવેલું છે. જે છેલ્લા એક મહિનાથી બંધ હોવાનો ફાયદો ઉઠાવી  ચોરોએ દરવાજાનું તાળું તોડી ઘરમાંથી મિક્સર, પ્રેશર કુકર, ધાબળા,સોનાની બુટ્ટી સહિત 82 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જે બાબતની જાણ ગાંધીનગરમાં રહેતા મકાન માલિકને થતા તેમણે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર શહેરના સેક્ટર 30માં રહેતા અભિષેકકુમાર ગુપ્તાના પિતા પવનકુમાર ગુપ્તા BSFમાં નોકરી કરે છે અને તેમનું માણસા શહેરમાં ગાંધીનગર રોડ પર આવેલા રાજ બંગલોઝમાં મકાન આવેલું છે. જ્યાં પરિવાર એક મહિના અગાઉ બે ત્રણ દિવસ માટે રહેવા માટે આવ્યો હતો અને ત્યારબાદ ગાંધીનગર પરત ગયા હતા ત્યાર પછી કોઈપણ સમયે અહીં માણસા ખાતેના મકાનમાં ચોરી કરવાના ઇરાદે આવેલા ચોરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી રસોડામાં મુકેલ ત્રણ પ્રેશર કુકર, એક મિક્સર, તેમજ બીજા માળે પતરાની પેટી માંથી ઠંડીમાં ઓઢવા માટેના છ ધાબળા અને સોનાની બે નંગ બુટ્ટી ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ભુજ ખાતે BSFમાં નોકરી કરતા મકાન માલિકને રાજ બંગ્લોઝમાંથી કોઈએ ફોન કરી જણાવતા તેમણે ગાંધીનગર તેમના પુત્રને તાત્કાલિક માણસા ખાતેના મકાન પર મોકલ્યો હતો. જ્યાં તેણે આવીને જોયુ તો દરવાજાનું તાળું તૂટેલું હતું તેવી જ રીતે બીજા માળે પણ બધું અસ્ત વ્યસ્ત વેરવિખેર પડેલુ જણાતાં તેમણે તપાસ કરતાં 5700 રૂપિયાની કિંમતના ત્રણ પ્રેશર કુકર, 3500 રૂપિયાની કિંમતનું એક મિક્સર, 24 હજાર રૂપિયાના છ ધાબળા અને 49000 રૂપિયા એક તોલાની સોનાની બુટીઓ મળી કુલ 82,200ના મતાની ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.