વડોદરામાં સયાજી હોસ્પિટલ પાછળ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પાછળના ભાગમાં સર્વિસ રોડ ઉપર અજાણ્યા પુરૂષનો મૃતદેહ પડ્યો હતો. આ મૃતદેહ ઉપર સ્થાનિક લોકોની નજર પડતા તેમણે રાવપુરા પોલીસને જાણ કરી. પોલીસ તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચી મૃતદેહનો કબજો લઇ મોતનું કારણ જાણવા સયાજી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યો હતો. શહેરમાં આ ઘટનાથી ચકચાર મચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે પોલીસને માહિતી મળી કે, રાજમહેલ રોડ, સયાજી હોસ્પિટલના પાછળના ભાગમાં સર્વિસ રોડ ઉપર એક મૃતદેહ પડ્યો છે. તે સાથે સયાજી હોસ્પિટલમાં આવતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી મૃતદેહ કબજે કરી કાર્યવાહી શરૂ કરી. બીજી તરફ મૃતકનું નામ શોધવા માટે ટોળે વળેલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસનું માનવું છે કે, મૃતક વ્યક્તિ સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા તેના કોઇ પરિવારના સભ્ય સાથે આવ્યો હોવો જોઇએ અથવા શહેરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હોવો જોઇએ. આશરે 45 વર્ષના વ્યક્તિના મોતનું ચોક્કસ કારણ પણ જાણી નથી શકાયું. પોલીસે હાલ લાશનો કબજો લઇ પીએમ માટે મોકલાવી આપી છે. અજાણ્યા વ્યક્તિના પીએમ રિપોર્ટ પછી અજાણ્યા વ્યક્તિના મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.

પોલીસ તંત્ર દ્વારા અજાણ્યો વ્યક્તિની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે સયાજી હોસ્પિટલમાં પણ લાશનો ફોટો લઇને લાશની ઓળખ માટે પ્રયતણો શરૂ કર્યા છે. જોકે, પોલીસને હજુ સુધી અજાણ્યા વ્યક્તિ વિશેના કોઇ સગડ નથી મળ્યા. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર ફેલાવી હતી. રાવપુરા પોલીસે અકસ્માતે મોતની નોંધ તૈયાર કરી કાર્યવાહી હાથ ધરી છે.