મલાણા નજીક બાઈક ઉપર ત્રણ સવારી યુવકોને ટ્રકે ટક્કર મારતા એકનું મૃત્યુ


ડીસાના ભોપાનગર વિસ્તારના ત્રણ યુવકો બાઈક ઉપર પાલનપુર તાલુકાના મલાણા પાસે રિસોર્ટે ગયા હતા. આ દરમિયાન ટ્રક ચાલકે ટક્કર મારતા એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે બેને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ડીસાના ભોપાનગર ત્રિકમવાડી વિસ્તારમાં રહેતા મહેશભાઈ આલાભાઇ પરમાર, પંકજભાઈ વેરશીભાઈ મોચી અને નહેરુનગર ટેકરા વિસ્તારના અમિતભાઈ હીરાભાઈ બારોટ બાઈક નંબર જીજે.08 સી.જે. 9051 ઉપર પાલનપુર તાલુકાના મલાણા પાસે આવેલ રિસોર્ટે જવા નીકળ્યા મલાણા ચાર રસ્તા થી રિસોર્ટ જતા માર્ગ ઉપર ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં મહેશભાઈને ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પંકજભાઈ અને અમિતભાઈ ને ગંભીર ઇજાઓ પહોચતા 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સાગરભાઇ આલાભાઇ પરમારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.