અમનનગર ચોકડી પાસે 4 ઇસમો દ્વારા દંપતિ સહિત 3 પર હુમલો કરાયો


કોડકી રોડ પર અનમનગર ચોકડી નજીક રોડ વચ્ચે યુવકો વચ્ચે થઇ રહેલી મારા મારીમાં વચ્ચે છોડાવવા પડેલા યુવાન અને તેની પત્ની અને માતાને ચાર ઇસમોએ માર મારી કારના કાચ તોડી નાખતાં આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સેજવારા માતમ બાવાગોર ફળિયામાં રહેતા હાસમ હારૂન સીદી (ઉ.વ.24)એ મદીનાનગરમાં રહેતા સાદીક ઉર્ફે અશરફ ગની સીદી, આરીફ ડાડુ સીદી, અકલો અભુજી સીદી અને સદામ અકલો સીદી નામના ચાર ઇસમો સામે ફરિયાદ દાખલ કરાવી છે.
ફરિયાદી અને તેમની પત્ની ફરીનબેન અને માતા હવાબાઇ ત્રણેય અમનગર મધ્યે સબંધીના લગ્ન પ્રસંગમાં દાંડિયારાસ પૂરો થયા પછી પરત કારમાં જતા હતા તે દરમિયાન અમનનગર ચોકડી પાસે રોડ પર કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થતો હતો. જેથી ફરિયાદીની કાર ઉભી રાખીને લોકોને ઝઘડો કરતાં રોકી સાઇડમાં હટી જવાનું કહ્યું હતું.આ દરમિયાન ફરિયાદી પોતાની કારમાં બેઠા ત્યારે આરોપીઓએ અમને સાઇડમાં હટવાનું કે કહ્યું તેમ કહીને માર મારવાનો શરૂ કર્યો હતો.
જેમાં ફરિયાદી અને તેમની ગર્ભવતી પત્નીને આરોપીએ પેટ પર લાત મારી અને આરોપી અકલો સીદીએ ધોકાથી ફરિયાદીની કારના કાચ તોડી નાખ્યા. આ જોઇને ફરિયાદીના માતાને પ્રેશરની બીમારી હોઇ હાલત બગડી હતી. આ સમયે ફરિયાદીનો ભાઇ આબીદ સીદી આવી ગયો ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.