મીરજાપર પોલીસ ચોકી પાસેથી જ કારમાંથી લેપટોપની થઈ તસ્કરી

ભુજ નજીકના મીરજાપર ચોકડી પર આવેલી પોલીસ ચોકીની બાજુમાં જ પાર્ક કરેલી કારના કાચ તોડી ચોર અડધા કલાકમાં જ 40 હજારનું લેપટોપ થેલા સહિત 43,500નો મુદામાલની તસ્કરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર તેમજ મુળ જુનાગઢના હાલ ભુજ કોડકી રોડ પર અક્ષર રેસીડન્સી મધ્યે રહેતા જૈમિનભાઇ દિનેશકુમાર પંડ્યાની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ શનિવારે સવારે દસથી સાડા દસ વાગ્યાના સમય ગાળા દરમિયાન બન્યો હતો.

ફરિયાદી જૈન ઇરીગેશન સીસ્ટમ લી. કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હોવાથી માંડવીના કોડાય પુલ પર કંપનીના ડીલરને બેનર્સ મોકલવાના હોવાથી સવારે દસ વાગ્યાની આસપાસ મીરજાપર ચોકડી પાસે પોલીસ ચોકી નજીક અર્જુન ક્લેક્ષ નામની દુકાને પોતાના કબજાની કાર લઇને આવ્યા હતા.

કાર પાર્ક કરીને માંડવી તરફ જતી ટ્રાવેલ્સમાં બેનર્સ ચડાવવા ગયા તે દરમિયાન અડધા કલાકમાં જ કોઇ અજાણ્યો ઈસમ ફરિયાદીની પાર્ક કરેલી કારનો આગળનો કાચ તોડીને અંદરથી 40 હજારનું લેપટો, માઉસ, ચાર્જર સાથેનો થેલો લઇને પલાયન થઈ ગયો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.