સટ્ટાના 2 કરોડ વસૂલવા વરાછાના હીરા વેપારીનું અપહરણ કરાયું

copy image

નાના વરાછાના એક હીરાવેપારીનું સટ્ટાના 2 કરોડ બાબતે જૂના ભાગીદારે 3 લોકોની મદદથી લકઝરીયસ કારમાં અપહરણ કરી માર માર્યો હતો. પોલીસે હીરાવેપારીની ફરિયાદના આધારે જૂના ભાગીદાર વિરલ ઘનજી વાઘાણી (રહે. મમતા પાર્ક, કાપોદ્રા, મૂળ રહે.ભાવનગર) અને તેના 3 લોકો સામે ધમકી અને અપહરણનો ગુનો નોંધ્યો છે. હાલમાં ચારેય આરોપી ફરાર છે. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. નાના વરાછા, ચીકુવાડી ખાતે રહેતા 35 વર્ષીય દીપક હીરાનો વેપાર કરે છે. દોઢ વર્ષ પહેલા દીપક ભાગીદારીમાં વિરલ વાઘાણી સાથે જમીન લે-વેચનો ધંધો કરતો હતો.

વિરલ સટ્ટાનું નેટવર્ક કરતો, સટ્ટો રમવા દીપકે વિરલ પાસેથી IDpassword લીધા હતા અને તેના હસ્તક બીજા ગ્રાહકો પણ સટ્ટો રમતા હતા, જેમાં 2 કરોડ રૂપિયા હારી ગયા હતા. જેનો હવાલો હીરાવેપારીએ કર્યો હતો. વિરલ આ 2 કરોડ દીપક પાસેથી માંગતો હતો. વિરલે 2 મહિના પહેલાં રૂપિયા માટે દીપકના ઘરે જઈ ગાળાગાળી પણ કરી હતી. 26મી સપ્ટે. રાત્રે દીપકના મિત્રએ નવરાત્રિનું આયોજન કર્યું હતું ત્યાં ગયો હતો.

મોડીરાત્રે તે કારમાં ઘરે આવતો હતો ત્યારે કાપોદ્રા ધારૂકાવાળા કંમ્પાઉન્ડના ગેટ પાસે તેણે કાર મૂકી એટલામાં એક લકઝરીયસ કારમાં 3 બદમાશો આવ્યા હતા અને દીપકની પાસે કારનો કાચ ખોલાવી માર મારી નીચે ઉતારી ચપ્પુની અણીએ લકઝરીયસ કારમાં અપહરણ કરી ગયા હતા. આરોપીઓએ દીપકને મારી નાખવાની ધમકી આપતા ગભરાઈ ગયેલા દીપકે ‘કાલે બધુ થશે. અત્યારે મને ઉતારી દો’ એવું કહેતા તેઓ દીપકને નાના વરાછા ચોપાટી પાસે ઉતારી ભાગી ગયા હતા. દીપકે ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.