સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં જેલના કર્મચારીઓને સમાવવાની માંગણી સાથે સુરત લાજપોર જેલના કર્મીઓ, પરિવાર સહિત હડતાળ પર ઉતર્યા


સુરત લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીઓ આજે કેટલીક પડતર માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે.પોલીસ અધિક મહાનિદેશકને આ અંગે રજુઆત કરી હતી માગ પૂર્ણ ન થતાં તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.
લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીઓ દ્વારા સરકાર સામે પોતાની પડતર માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી.આજથી માસ સી.એલ પર જવાની કર્મચારીઓએ ચીમકી આપી હતી. સરકાર દ્વારા માંગણી ન સ્વીકારવામાં આવતા કર્મચારીઓએ લીધેલા નિર્ણયને આગળ ધપાવ્યો.માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તમામ કર્મચારીઓ રજા પર રહેશે.
લાજપોર જેલના કેદીઓને કામે લગાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.કર્મચારીઓ ના સ્થાને હવે કેદી કામ કરે છે. કેદીઓની મુલાકાત કેદીઓ કરાવે તેવી સ્થિતિ સર્જાઈ છે. કર્મચારીઓમાં પોતાની માંગણીઓને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ તેને ગંભીરતાથી ન લેવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લાજપોર મધ્યસ્થ જેલની અંદર કર્મચારીઓ આજથી હડતાળ શરૂ કરતાં હવે તેમના પરિવારજનો પણ જોડાયા. રાજ્ય સરકારે તાજેતરમાં જ પોલીસ કર્મચારીઓ માટે જે 550 કરોડના બજેટની જાહેરાત કરી હતી જેમાં જેલ કર્મચારીઓનો સમાવેશ ન કરાતા કર્મચારીઓની અંદર નિરાશા જોવા મળી છે. રાજ્ય સરકાર અને ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમની વાતને ગ્રાહ્ય ન રાખતા છેવટે પરિવારના નાના બાળકો અને મહિલાઓ પણ મધ્યસ્થ જેલના ગેટ ઉપર બેસીને હડતાળમાં જોડાયા.