પાટણમાં દુખવાડા રોડ પર ખાડામાં રીક્ષા ફસાતા પલ્ટી, જાનહાની ટળી

copy image

પાટણ શહેરના જળચોક વિસ્તારમાં ઠાકોરવાસથી દુખવાડા થઈ કુલડીવાસ તરફ નીકળતા માર્ગ પર મોટો ખાડો પડ્યો હતો જેનું થોડા સમય પહેલા પુરાણ કરવામાં આવ્યું હતું, પરંતુ ગતરોજ પડેલા વરસાદી ઝાપટાના કારણે પાણી આ ખાડામાં ઉતરતા ફરીથી જમીનની નીચેની સપાટી પોલી થઈ હતી. તો આજે એક રીક્ષા ત્યાંથી પસાર થતા તેના ટાયરો આ ખાડાના ફસાયા હતા. જેથી રીક્ષા પલ્ટી  ગઈ હતી.

આ વિશે લોકોને જાણ થતા જ આસપાસમાંથી લોકોનું ટોળું એકઠુ થઈ ગયું હતું અને રીક્ષાને ખાડામાંથી બહાર કાઢવા માટે ભારે મહેનત કરી હતી. અહીં ઠાકોરવાસ પાસે મુખ્ય રસ્તા વચ્ચે જ પડેલો આ ખાડો પુરવા માટે નગર પાલિકાના સત્તાધીશો દ્વારા પૂરતી તકેદારી કે યોગ્ય પગલા નહીં ભરવાના લીધે રીક્ષા પલટી મારી જતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ઉઠી હતી. જો કોઈ મોટું વાહન હોત કે પેસેન્જર રીક્ષા હોત અને તે આ ખાડામાં ફસાઈને પલ્ટી ગઈ હોત તો મોટી દુર્ઘટના બની શકે તેમ હતી. એમ લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું. પાટણ નગરપાલિકાનું તંત્ર અહીંની રૂબરૂ મુલાકાત લઇ આ ખાડાનું વ્યવસ્થિત પુરાણ કરે તેવી લોક માગ ઉભી થઈ છે.