10 વર્ષથી દવાખાનુ ચલાવતું બોગસ તબીબ દંપતી પકડાયું

ખંભાત તાલુકાના નાના કલોદરામાં બોગસ સર્ટીના આધારે તબીબી પ્રેક્ટીસ કરતાં મૂળ રાજસ્થાનના દંપતીને ખંભાત પોલીસે પકડી પાડ્યા છે. હાલમાં પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરાઈ રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે. સમગ્ર બનાવની હકીકત એવી છે કે, ખંભાતની એક હોટલમાં કામ કરતાં યોગેશભાઈની બહેનને જંતુ કરડવાથી નાના કલોદરા સ્થિત જૂની પંચાયત પાસે આવેલા ડો. કુમાર શર્માના ક્લીનીકમાં લઈ જવાયા હતા. જોકે, તેમણે દવા આપવા છતાં પણ છથી આઠ કલાક સુધી તેણીને સારૂં ન થતાં તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવા માટે કહેવાયું હતું. યોગેશભાઈએ તેમની પાસે તેમણે કરેલી સારવારનું ડિસ્ક્રીપ્શન માંગતા જ આ મુદ્દે તેમની સાથે માથાકૂટ થઈ હતી.

બીજી બાજુ આ અંગે ખંભાત પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તુરંત જ ખંભાતના મેડિકલ ઓફિસરને સાથે રાખીને તેમના ક્લીનીકમાં તપાસ કરી હતી. ત્યારે ઉમાશંકર રામભરોસી શર્મા અને તેના પત્ની રેખા બંને હાજર મળી આવ્યા હતા. તેમની પાસે ડિગ્રીની માંગ કરતાં તેમણે રજૂ કરેલી ડિગ્રી આધાર-પુરાવા ન હોવાનું સામે આવ્યું હતું.  તેમની સઘન પૂછપરછ કરતાં ઉમાશંકરે જ તેની અને તેની પત્નીની ડિગ્રી બનાવી હોવાનું કબૂલ્યું હતું. રાજસ્થાનમાં એક તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા પછી તે વર્ષ 2004માં ખંભાત આવી ગયો હતો. જ્યાં શરૂમાં પોતાના ઘરમાં મેડિકલ પ્રેક્ટીસ શરૂ કર્યા પછી છેલ્લાં દસ વર્ષથી ઘરમાં જ ક્લીનીક બનાવી પ્રેક્ટીસ કરતો હોવાની કબુલાત કરી.