આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતાં 9.80 લાખના વિદેશી દારૂ સાથે બે જબ્બે


તારાપુર-વટામણ હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે રૂપિયા 9.80 લાખની મતાનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો. પોલીસે બનાવમાં સગીર સહિત કુલ બેની અટકાયત કરી છે.
વાસદથી તારાપુર તરફ એક આઈશરમાં ઘરવખરીનો સામાન અને તેની અંદર વિદેશી દારૂ ભરીને લઈ જવાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિહત લાખુ ફાર્મ પાસે વોચ ગોઠવી હતી.આ દરમિયાન, મહારાષ્ટ્ર પાસીંગની આઈશર આવી પહોંચતાં જ પોલીસે તેને રોકી હતી.
તેમાં તપાસ કરતાં ઘરવખરીના સામાનની પાછળ અલગ-અલગ બ્રાન્ડની રૂપિયા 9.80 લાખની કિંમતની 2579 વિદેશી દારૂની બોટલ મળી હતી. પોલીસે ચાલકની પૂછપરછ કરતાં તે રાજસ્થાનના ચુરૂનો રહેવાસી અને તેનું નામ બળવંતરામસ્વરૂપ ચમાર હોવાનું જણાવ્યુ હતું. જ્યારે તેની સાથે એક સગીર પણ હતો. પોલીસે તેને જુવેનાઈલ બોર્ડમાં મોકલી આપ્યો છે. ચાલકને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે., વિદેશી દારૂ તે અંબાલાથી ભરીને લાવ્યો હતો, જે તેણે ભાવનગર પહોંચાડવાનો હતો. ભાવનગર પહોંચ્યા પછી તેને લોકેશન આપવાનું હોવાનું તેણે કબૂલાત કરી હતી.