કુકમા – શેખપીર ધોરીમાર્ગ પર અકસ્માત: ઇકો ગાડી પલટી મારી જતા 3 મહિલા સહિત 10 વ્યક્તિઓ ઘાયલ


ગાંધીધામ તાલુકાના ગળપાદરથી ઉતરપ્રદેશના પરિવારના સદસ્યો માતાના મઢ દર્શન કરવા માટે જતા હતા ત્યારે ભુજના કુકમા-શેખપીર રોડ પર અકસ્માત નડ્યો.જેમાં આ યાત્રીઓની ઇકો ગાડી રોડ પર પલટી મારી જતા તેમાં સવાર 10 લોકોને હળવી-ગંભીર ઇજાઓ પહોચવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.ઘટના એટલી ગંભીર હતી કે,રાત્રે બે 108 એમ્બ્યુલન્સને બોલાવવાની ફરજ પડી હતી. બપોર સુધી અકસ્માતગ્રસ્ત વાહન ઘટના સ્થળે જ પડ્યું હતું.
હોસ્પિટલ ચોકીના જણાવ્યા અનુસાર,ગળપાદરના શાંતિધામમાં રહેતા 26 વર્ષિય પંકજ લક્ષ્મણ ગુપ્તા,31 વર્ષિય સુધાદેવી અમિત મિશ્રા,35 વર્ષિય અમીત અજય મિશ્રા,27 વર્ષિય સંજય સુલચંદ ગુપ્તા,28 વર્ષિય પુનમ સંજય ગુપ્તા, 11 વર્ષિય પ્રિન્સ મનોજ પાઠક, 38 વર્ષિય મનોજ રામકુમાર પાઠક, 35 વર્ષિય વંદના મનોજ પાઠક, 26 વર્ષિય ગુડીયા પંકજ ગુપ્તા અને 8 વર્ષના પિયુષ સંજય ગુપ્તાને આ અકસ્માતમાં ઇજાઓ પહોચી હતી.
રવિવારે મોડી રાત્રે 2 થી 2.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.ભુજ તરફથી એક ટ્રેઈલર પુરપાટે આવી રહ્યું હતું જેથી ઇકોના ચાલકે ગાડી સાઇડમાં લેતા બાજુમાંથી બોલેરો ગાડી નિકળી હતી. જે ટ્રિપલ અકસ્માતમાં ઇકોના ચાલકે કાબુ ગુમાવી દેતા પલટી ખાઈ ગઈ હતી અને તેમાં સવાર 10 વ્યક્તિઓને ઈજાઓ પહોચતા 108 બોલાવીને જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યા સારવાર પછી પધ્ધર પોલીસને જાણ કરાઈ છે.
હાલમાં મોટી સંખ્યામાં ભાવિકો માતા ના મઢ મધ્યે દર્શન માટે આવતા હોય છે ત્યારે અકસ્માતનો બનાવ બનતા યાત્રીઓના પરિવારમાં પણ ચિંતા ફેલાઈ ગઈ હતી.માર્ગો પર બેફામ દોડતા ભારે વાહનોની સ્પીડ પર લગામ કસવામાં આવે તે અનિવાર્ય છે.