ગામમાં ગરબી જોઇને પ્રેમીયુગલે સીમમાં જઇ જેરી દવા પી લઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટની ભાગોળે આવેલા ઢાંઢિયા ગામના પરિણીત યુવક અને કુંવારી યુવતી રાત્રે બંનેએ ગામમાં ગરબી જોયા પછી સીમમાં જઇ ઝેરી દવા પી લઇ જીવન ટૂંકાવ્યું, યુવક-યુવતીના આત્મહત્યાથી નાના અમથા ગામમાં અરેરાટી ફેલાઈ હતી.

ઢાંઢિયા ગામમાં રહેતા ઘનશ્યામ વેલાભાઇ ઓળકિયા (ઉ.વ.28) અને એજ ગામની સોનલ દેવા બોરિયા (ઉ.વ.24)એ  રાત્રે અઢી વાગ્યાના આસપાસ ગામની સીમમાં ઝેરી દવા પી લીધી, કોઇ ગ્રામજનને જાણ થતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમ મધ્યે ખસેડ્યા હતા, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને મધરાતના 4.40 વાગ્યે સોનલનું મૃત્યુ નીપજ્યું હતું. સોનલના મૃત્યુની ગણતરીની મિનિટો પછી ઘનશ્યામે પણ દમ તોડ્યો હતો. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસની ટીમ દોડી ગઇ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘનશ્યામ ઓળકિયા બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે અને ખેતીકામ કરતો હતો, તેના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતા પરંતુ સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું, જ્યારે સોનલ બે બહેન અને એક ભાઇમાં મોટી હતી, તેના જ્ઞાતિ સમાજના રિવાજ અનુસાર નાનપણથી જ તેનું સગપણ નક્કી થઇ ગયું હતું.

ઘનશ્યામ અને સોનલ એક જ ગામના હોવાટી બંને વચ્ચે કેટલાક સમયથી પ્રેમસંબંધ બંધાયો હતો.ઘનશ્યામ પરિણીત હોવાટી તેમના આ પ્રેમસંબંધને સમાજ નહીં સ્વીકારે તેવો બંનેને ડર લાગતા બંનેએ આત્મહત્યા કરી લીધી હતી. ગામમાં બંને ગરબી જોવા માટે ગયા હતા, અને અલગ અલગ બેસી ગરબી જોઈ હતી, ગરબી પૂરી થતાં જ બંને ત્યાંથી નીકળીને સીમમાં મળ્યા અને છેલ્લું પગલું ભરી લીધું હતું. બંનેના પ્રેમસંબંધ વિશે પરિવારજનો અજાણ હતા, પ્રેમીયુગલના સજોડે આત્મહત્યાથી ઢાંઢિયા ગામમાં શોક છવાયું હતું.