કાર ચાલક બાઇકને ઠોકર મારીને ફરાર, યુવાનનું મોત નીપજયું

જસદણના દહીંસરા ગામ નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી અને કમળાપુર નજીક ધસમસતી આવતા કારના ચાલકે બાઇક ચાલકને ઠોકર મારતાં યુવક ફસડાયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલીક સારવારમાં રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જેમાં યુવાનનું રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના દહીંસરા ગામે રહેતા ભરતભાઈ જગાભાઈ સાકરીયા (ઉ.વ.35) ગત તા.30 ના રોજ બાઈક હંકારીને પોતાના ગામથી કમળાપુર કામ માટે જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તારમાં કોઈ અજાણ્યો કાર ચાલક તેને ઠોકર મારી ભાગી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તાત્કાલિક જસદણની હોસ્પિટલમાં સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિહટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યાં ગત મોડી રાત્રીના તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં સ્વજનો શોકમાં ગરક થઈ ગયા હતા. આ અકસ્માતના બનાવમાં મૃત્યુ પામનાર ભરતભાઈ ત્રણ ભાઈઓમાં મોટા હતા અને દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતકને બે પુત્ર છે. અકસ્માતના આ બનાવમાં રાજકોટ હોસ્પિટલ ચોકીના પોલીસ સ્ટાફે કાગળો તૈયાર કરી જસદણના ભાડલા પોલીસ સ્ટાફને જાણ કરી હતી.