પાંડેસરાના કુખ્યાત નાગસેન નગરમાં 17 લુખ્ખા ઘાતક હથિયારો સાથે ઝડપાયા, 94 બાઇક કબજે


પાંડેસરામાં શ્રમ વિસ્તારોમાં રહેતા સામાન્ય લોકોને લુખ્ખા તત્વો દાદાગીરી કરી મારામારી, હત્યા, ખંડણી, લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતા હોય છે. આવા ગુનાઓને અટકાવવા માટે ખાસ કરીને પાંડેસરાના નાગસેન નગરમાં પાંડેસરા અને ખટોદરા પોલીસે સાથે મળીને શનિવારે મોડીરાત્રે સરપ્રાઇઝ કોમ્બિંગ કરી હતી. જેમાં પોલીસે 17 લુખ્ખાતત્વોને ચપ્પુ જેવા હથિયારો સાથે ઝડપી પાડયા હતા.
ઉપરાંત નંબર પ્લેટ વગર અને ફોલ્ટી નંબર પ્લેટવાળા 94 બાઇકો પોલીસે કબજે કરી લીધા હતા. સરપ્રાઇઝ કોમ્બિગમાં નાગસેનનગરમાં દારૂ પણ મળી આવ્યો હતો. આથી પોલીસે કબજામાંથી દારૂ મળવાના 3 કેસો, દારૂ પીને ગાડી ચલાવનાર સામે 4 કેસો અને નશો કરેલા 14 જણાને પકડી પાડયા હતા. કોમ્બિંગ દરમિયાન પોલીસે 4 હજારનો સ્થળ પર દંડ કર્યો.
આ કોમ્બિગમાં પાંડેસરા પોલીસે 261 લુખ્ખાતત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પાંડેસરાના 2 PI, 6 PSI સહિત 65 પોલીસકર્મીઓએ 5 કલાક સુધી સરપ્રાઇઝ કોમ્બિગમાં માથાભારે તત્વો, લિસ્ટેડ બુટલેગરો, હિસ્ટ્રીશીટર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોનું ખાસ ચેકિંગ કરી સફળતા મેળવી હતી.