નખત્રાણામાં SDM ના સરકારી બંગલોમાં ચોરો ત્રાટક્યા, 90 હજારના મુદ્દામાલની ચોરી
copy image

નખત્રાણા નગરમાં પોસ્ટ ઓફીસ પાસે આવેલા SDMના સરકારી બંગલોમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઘરનું તાળું તોડી બેડમાં રહેલી રૂ. 90 હજારની માલમતા ચોરો દ્વારા ચોરી જવાયાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે. રજા પર ગયેલા SDM ના ઘરમાંથી ચોરીની ઘટના બનતા સમગ્ર નગરમાં ચકચાર પ્રસરી જવા પામી છે. આ પહેલા ન્યાયાધીશના ઘરમાં પણ ચોરીનો બનાવ બની ચુક્યો છે.
નખત્રાણામાં પ્રતિદિન નાની મોટી ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોરોને જાણે કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય તેવી સ્થિતિ હાલ નિર્માણ પામી છે. તેના વચ્ચે આજે SDM તરીકે ફરજ બજાવતા મેહુલ બરાસરાના સરકારી રહેણાંક બંગલોમાંથી ગત તા. 8 થી તા.10ના બપોરના 3 વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન કોઈક ઈસમોએ ઘરનું ઇન્ટરલોક તોડી પ્રવેશ કરીને અંદર રહેલા બોક્ષ બેડમાં રાખેલા રૂ. 65 હજારની કિંમતના સોનાની ચેન, વીંટી અને રિયલ ડાયમંડનું પેન્ડન્ડ તથા રૂ. 25 હજાર રોકડ મળીને કુલ રૂ. 90 હજારની ચોરી થયાની ફરિયાદ નખત્રાણા પોલીસ દફતરે નોંધાઇ છે.
ફરિયાદ અનુસાર સરકારી બંગલોમાં રહેલા પક્ષીઓ માટે દાણા પાણી નાખવાનું કામ તબીબ પત્નીની હોસ્પિટલના સ્ટાફને રજા પર જતાં ફરિયાદીએ સોંપ્યું હતું. તે દરમિયાન ગઈકાલ બપોરે હોસ્પિટલમાં કામ કરતા બુદ્ધિબેન રબારી જ્યારે ઘરમાં પક્ષીઓને દાણા નાંખવા ગયા ત્યારે ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો જોતા ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. અલબત્ત નગરમાં છાસવારે બની રહેલી ચોરીની ઘટનોથી લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા વધુ સજાગ કામગીરી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.