પાલિકા અને GWIL વચ્ચે પાણીના જથ્થામાં 10 MLDનો તફાવત

ભુજ શહેર કોંગ્રેસે ભુજ નગરપાલિકા દ્વારા શહેરીજનોને છેલ્લા એકાદ માસથી નળ વાટે પાણી વિતરણમાં બેચાર દિવસના વધેલા અંતરનું ખરું કારણ જાણવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં મંગળવારે કુકમા સમ્પે સ્થળ મુલાકાત લીધા બાદ ગુરુવારે અંજારમાં GWIL ની કચેરીની મુલાકાત લીધી હતી, જેમાં કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાને 45 MLD પાણી પૂરતા દબાણથી અપાય છે. જ્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે, અપૂરતા દબાણે માત્ર 30 MLD પાણી મળે છે.

આમ બંનેના નિવેદનોથી 10 MLD ની ફરક આવ્યો છે, જેથી ભુજ શહેર કોંગ્રેસે પ્રજાના હિતમાં સત્ય જાણવા સર્ચ ઓપરેશન આગળ ધપાવવાનો હુંકાર ભણ્યો હતો. ભુજ શહેર કોંગ્રેસ કિશોરદાન ગઢવી, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટ્ટી, કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી હાસમ સમા અને ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતા કાસમ સમાએ ગુરુવારે અંજાર GWILના કાર્યપાલક ઈજનેર MHO એ ત્રોલિયાની કચેરીએ જઈને કુકમા સમ્પમાં ઓછા દબાણ આવતા નર્મદાના પાણીની હકીકત ફોટા સાથે રજુ કરી હતી, જેથી કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, ચારેક કલાક પૂરતા દબાણે પાણી આપ્યા પછી થોડો સમય દબાણ ઘટાડવું પડે, જેથી બપોરના ભાગે ઘટાડ્યું હતું.

બાકી ભુજ નગરપાલિકાને કુકમા સમ્પે દૈનિક 45 MLD પાણી પૂરતા દબાણે પહોંચતું કરાય છે અને આખો દિવસ સતત ચાલુ હોય છે. જે બાદ સર્ચ ઓપરેશન ટીમ ભુજ નગરપાલિકામાં પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર પાસે આવી હતી અને તેમને પૂછ્યું હતું કે, ભુજ શહેરને નર્મદાના પાણી કેટલા MLD મળે છે.

જવાબમાં નગરપતિએ જણાવ્યું હતું કે, દૈનિક 30 MLD મળે છે. પરંતુ, લાઈનો તૂટવા અને મરંમત બાદ ફરી લાઈનોમાં પાણી ભરવાના કારણે પૂરતો જથ્થો પૂરતા દબાણે સંભવ બનતો નહીં હોય.