સુરતમાં GSTની ચોરીમાં નવી ચાલાકી પકડાઈ, બિલ 48 હજારનું અને માલ 1 કરોડનો

રેલવે મારફત ચાલતા GST કૌભાંડનો મોટો મામલો સામે આવ્યો છે. જેમાં ઇ-વે બિલની રૂપિયા 50 હજારની લિમિટનો લાભ લઇને માલ મોકલનારાઓ સરકારને કરોડોનો ચૂનો રોજ લગાવી રહ્યા છે. તાજેતરમાં જ પકડાયેલી એક નવી જ મોડસ ઓપરેન્ડી મુજબ રેલવે મારફત આવેલા રૂપિયા 1 કરોડથી વધુના તમાકુના માલના બિલ પર કિંમત માત્ર 48 હજાર બતાવવામાં આવી હતી.
GST ની તપાસ બાદ તેમાં હાલ 10 લાખની પેનલ્ટી લગાવવામાં આવી છે અને UP થી આવેલા આ તમાકુ મામલે વધુ તપાસ થઈ રહી છે. અધિકારીઓ કહી રહ્યા છે કે રેલવે 50 હજારથી વધુનુ ઇ-વે બિલ હોય તો જ ચેક કરી શકે છે જેનો લાભ લઇને કૌભાંડીઓ ગમે તેટલી રકમનો માલ હોય બિલ રૂપિયા 50 હજારથી નીચેનુ જ બનાવી રાખે છે. સ્વભાવિક છે કે આ બિલ બોગસ હોય છે. એક્સપર્ટ કહે છે કે સમગ્ર દેશમાં આ બાબતના કેસોની તપાસ થવી જોઇએ. જેમ કસ્ટમ વિભાગ એરપોર્ટ પર એક ટીમ રાખે છે તેમ દેશના દરેક પ્લેટફોર્મ પર GSTની ટુકડી હોવી જોઇએ.
નોંધનીય છે કે છેલ્લા 6 મહિનામાં 6થી વધુ એવા કેસ થયા છે જેમા 5 કરોડથી વધુના કેસ પકડાયા છે. બાય રોડ માલ ચેકપોસ્ટ પર પકડાઈ જવાની બીકે રેલવે મારફત માલ મંગાવવામાં આવતો હોવાનું GSTના અધિકારી કહી રહ્યા છે.