જ્યુબિલી સર્કલે બસમાં ચડતી વખતે 1.08 લાખના 2 મોબાઈલ ફોન છીનવાયા

copy image

શહેરના હંગામી બસ સ્ટેશન ખાતે માતાના મઢના પ્રવાસીઓની ભીડના કારણે ચોરીની ઉપરાછાપરી ઘટનાઓ બની હતી પણ તેમાં કોઈ આરોપીઓ પકડાયા નથી ત્યારે ફરી એકવાર ST બસમાં ચડવા દરમિયાન ભીડનો લાભ લઇ તસ્કરે નખત્રાણાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરના હાથમાંથી 2 મોબાઈલ છીનવી લીધા છે. 1 લાખ 8 હજારના મૂલ્યના 2 મોબાઈલ ફોન છીનવી લેવાતા ફરિયાદ કરવામાં આવી છે.
નખત્રાણા તાલુકા હેલ્થ ઓફીસમાં કોમ્યુનિટી હેલ્થ ઑફિસર તરીકે ફરજ બજાવતા 26 વર્ષિય શ્રધ્ધાબેન પંચાલે ભુજ એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તેઓ માધાપર તાલીમ કેન્દ્રમાં આયોજીત મિટીંગમાં ભાગ લઈ પરત નખત્રાણા જવા માટે જ્યુબિલી સર્કલે ઉભા હતા ત્યારે સાંજે 5:45 કલાકે ભુજ-ધીણોધર વાયા નખત્રાણા જતી ST બસ આવતા તેમાં ચડવા જતી વખતે ધક્કામુક્કીનો લાભ લઈ તસ્કરે તેમના હાથમાં રહેલાં 2 મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા. ફોન ઝૂંટવી લીધા બાદ કોઈ વ્યક્તિ પણ ત્યાંથી ભાગ્યો ન હતો.
બસમાં બેઠેલા પેસેન્જરોને પૂછ્યું ત્યારે પણ ફોન મળ્યો ન હોતો. જેથી નજીકમાં હાજ૨ મહિલા પોલીસકર્મી પાસે જઈ તેમના ફોનમાંથી ચોરાયેલાં ફોનના નંબર પર ફોન કર્યો પણ ત્યાં સુધીમાં ફોન બંધ થઈ ગયો હતો. ચોરાયેલા 2 ફોનમાં એક સેમસંગ કંપનીનો લાખ રૂપિયાનો નોટ 20 અલ્ટ્રા અને બીજો સરકાર તરફથી ઇશ્યુ થયેલો વિવો કંપનીનો 8 હજારનો ફોન હતો. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.