કાસેઝથી સોપારી બહાર કાઢતી કારને સુરક્ષાકર્મીઓ જોઇ ગયા, પીછો કર્યો તો થાંભલા સાથે અથડાવી અને આરોપી ફરાર


કંડલા સ્પે. ઈનોમિક ઝોનમાં સોપારીના જથ્થાને અનધીકૃત રીતે બહાર કાઢવાના કે ચોરીના પ્રયાસને કસ્ટમ OP અને સુરક્ષાકર્મીઓ નાકામ કરી દીધો હતો. મોડી રાત્રે સોપારી ભરેલી કારને રોકવાના પ્રયાસ છતાં ન ઉભી રહીને ઝોન આખામાં ફરતી રહી હતી, સુરક્ષાકર્મીઓએ ફિલ્મી ઢબે સતત પીછો કર્યા બાદ અંતે કાર થાંભલા સાથે અથડાઈ ગઈ હતી અને તેમા રહેલા આરોપી ભાગી છુટ્યા હતા. પ્રશાસને કુલ 330 કિલો સોપારીનો જથ્થો પકડી પાડ્યો હતો. અગાઉ સોપારીને આયાતમાં ગેરરીતીઓ આચરાઈ હોવાની અને તેની જપ્તીનું પ્રકરણ પણ ઘણુ ચર્ચામાં રહ્યું હતું, ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી હતી.
કાસેઝમાં મોડી રાત્રિના સમયે એક ટાવેરા કાર શંકાસ્પદ રૂપે ઝોનની અંદર ફરતી હોવાનું બહાર આવતા તેને રોકાવીને તપાસ કરવાના પ્રયાસ આદર્યા હતા. પરંતુ કારએ પોતાની ગતી વધારી નાસવા લાગતા કસ્ટમ PO અને સુરક્ષાકર્મીઓએ તેનો પીછો શરૂ કર્યો. ધુળની ડમરી ઉડાવતી શંકાસ્પદ કાર ઝોન પ્રીમાઈસીસ માંથી બહાર ભાગવાના પ્રયાસ કરતા સુરક્ષાકર્મીઑએ ગેટ પર ઉપસ્થિત જવાનોને દરવાજો બંધ રાખવા અને તૈનાત રહેવા જાણ કરતા કારને રસ્તો ન મળ્યો અને અંદરજ ચક્કર મારવા લાગી અંતે એક થાંભલા સાથે જઈને અથડાતા તેમા સવારો કારને જેમની તેમ મુકી સ્થળ પરથી મુકી અંધારામાં ભાગી ગયા હતા. કારમાં તપાસ કરતા તેમાંથી 15 જાઈન્ટ બેગમાં ભરેલો અંદાજે 330 કિલો સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. કાર અને સોપારીના જથ્થાને PO દ્વારા કસ્ટમ એક્ટ,1962ના સેક્શન 110 તળે સીઝર કર્યું હતું.
પ્રશાસન આ અંગે હજી તપાસ પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવી રહ્યું છે. નોંધવુ રહ્યું કે કાસેઝ પ્રીમાઈસીસમાંથી ચોરીની ઘટનાઓ નવી નથી, દિવાલો ફાંગીને કે રીતસરની દાદાગીરી કરીને પણ ઝોનના યુનિટોમાંથી ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ આ પ્રકરણમાં ખરેખર આ ચોરીનો પ્રયાસ હતો કે સોપારી પર લાગતી ભારે ડ્યુટીથી બચવા તેને આ રીતે બહાર કઢાઈ રહ્યો હતો તે તપાસનો વિષય છે. નોંધવુ રહ્યું કે સેઝ વ્યવસ્થાની ખામીઓને દુર કરવા સરકાર દ્વારા ટુંક સમયમાં દેશ નામક વ્યવસ્થા ટુંક સમયમાં લાગુ કરવા જઈ રહી છે. તાજેતરમાં ઈ સિગારેટ્સ મામલે મુંદ્રા સેઝ ચર્ચામાં આવ્યું હતું.