પ્રિન્ટિંગ પ્રેસ એજન્સી, યુનિવર્સિટીના સ્ટાફની કડક પૂછપરછ, પોલીસ-FSLની બંધબારણે તપાસ

copy image

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને BCom ના પેપર લીક થયાની ઘટનાને 5 દિવસ થવા છતાં હજુ પણ માત્ર અટકળો જ ચાલી રહી છે. ત્યારે સોમવારે સાંજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં FSL ની ટીમ, ક્રાઈમ બ્રાંચ અને ભક્તિનગર પોલીસ સહિતનો કાફલો કેમ્પસમાં પહોંચ્યો હતો અને કુલપતિ સહિતના સત્તાધીશો સાથે બંધબારણે બેઠક કરી હતી. પોલીસ પેપર પ્રિન્ટિંગ એજન્સીનો સ્ટાફ અને યુનિવર્સિટીના કર્મચારીઓ જે પેપર મોકલવા સંબંધિત કામગીરી કરે છે તેમને સાથે રાખીને તપાસ આદરી છે, કર્મચારીઓના સોમવારે પણ મૌખિક નિવેદન લેવાયા હતા.

સોમવારે યુનિવર્સિટી કેમ્પસ પર તમામ ટીમ આવ્યા પછી મુખ્ય બિલ્ડિંગને ચારેબાજુથી બંધ કરી દેવામાં આવી હતી અને સિક્યુરિટીને કોઈપણને અંદર નહીં આવવા દેવા સૂચના આપી હતી. યુનિવર્સિટીના કર્મચારીઓની પૂછપરછ સાથે પોલીસે કુલપતિ સાથે પણ મિટિંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય ઉપર તપાસ નહીં પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

પેપર લીક થવાની ઘટનામાં 1-2 દિવસ અગાઉ પેપર મોકલી દેવાતા સૌથી મોટી બેદરકારી ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છે પરંતુ તેમાં હજુ સુધી કોઈની જવાબદારી નક્કી નહીં કરી કોઈપણ પ્રકારના પગલાં લેવાયા નથી. હાલ પોલીસ અને FSL ઉપર મુદ્દો ડાઇવર્ટ કરી દેવાયો હોવાની સ્થિતિ સર્જાઈ છે.