કારખાનેદારે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીધી


વ્યાજખોરો સામે પોલીસની બેવડી નીતિને કારણે બેખોફ બની તોતિંગ વ્યાજે નાણાં આપ્યા બાદ વધુ નાણાં પડાવવા ધાકધમકીઓ દઇ કાયદાનું ઉલ્લંગન કરી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવમાં યુનિવર્સિટી રોડ, યોગેશ્વર પાર્ક-2માં રહેતા રોહિત ગણેશભાઇ ચોવટિયા નામના યુવાને તેના મેટોડા GIDCમાં આવેલા કારખાને ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. બનાવની જાણ થતા લોધિકા પોલીસે ખાનગી હોસ્પિટલ ખાતે દોડી જઇ સારવાર લઇ રહેલા યુવાનની પૂછપરછ કરતા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. વિશેષ પૂછપરછમાં તે મેટોડામાં ભાગીદારીમાં કારખાનું ધરાવે છે.
તે દરમિયાન નાણાંની જરૂરિયાત ઊભી થતા મિત્રની ઓળખાણથી અજય બટુક બામટા નામના વ્યક્તિ પાસેથી ત્રણ મહિના પહેલા 15 ટકાના વ્યાજે રૂ.50 હજાર લીધા હતા. નાણાં લીધા બાદ તેને સમયસર વ્યાજની રકમ ચૂકવતો હતો. ત્યારે અજયે મુદલ રકમની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. જેથી તેને દિવાળી પછી મુદલ રકમ ચૂકવી આપવાનું જણાવવા છતાં તે ઘરે આવી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો.
તદઉપરાંત એક મહિના પહેલા તેજસ સભાડ પાસેથી પણ 15 ટકાના વ્યાજે રૂ.50 હજાર લીધા હતા. તેને પણ સમયસર વ્યાજ ચૂકવતો હતો. પછી તેણે પણ મુદલરકમ વસૂલવા ધમકીઓ દેવાનું શરૂ કર્યું હતું. બંને વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી ધમકી દેતા હતા કંટાળીને પગલું ભર્યાનું પોલીસને જણાવ્યું છે. લોધિકા પોલીસે બંને વ્યાજખોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.