JICમાં 4 વિદેશી બંદીઓ દ્વારા ઝપાઝપી કરવામાં આવતા 2 જવાન ઇજાગ્ર્સ્ત: 2 બાંગલાદેશીએ ઝેર પી લીધું


સરહદી જિલ્લા મથક ભુજના સંયુક્ત પુછપરછ કેન્દ્ર (જેઆઇસી)માં બાંગલાદેશી તથા પાકિસ્તાની બંદીઓએ રવિવારે બોર્ડરવીંગ હોમગાર્ડના જવાનો સાથે ઝપાઝપી કરી હતી. જેના બીજા દિવસે સોમવારે ડિપોર્ટ નહીં થવાના કારણે હતાશ બે બાંગલાદેશી યુવકોએ જેઆઇસીમાં જ ઝેર પી લીધું હતું. એક મહિલાની તબીયત લથડી ગઈ હતી. ત્રણેયને જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડમાં આવ્યા હતા. જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલા બાંગલાદેશી-પાકિસ્તાની કેદીઓ લાબાં સમયથી વતનમાં જવાની (ડિપોર્ટેશન)ની પરવાનગી નહીં આવતાં અહીં તૈનાત બોર્ડર વીંગ હોમગાર્ડ તથા પોલીસ સાથે ઝપાઝપી કરી રહ્યા છે.
એકલા થયેલા આ વિદેશીઓએ રવિવારે વહેલી પરોઢે પોણા પાંચ વાગ્યે જવાનો સાથે ઘર્ષણમાં ઉતર્યા અને ઝપાઝપી કરીને બે બોર્ડરવીંગના સીપાઇઓને ઇજા પહોંચાડી હતી. આ મુદ્દે બોર્ડરવીંગના સીપાઇ વનરાજસિંહ વેસલજી જાડેજાએ બાંગલાદેશી કેદી મુરસલીમ મોસીયાર શેખ, અને સાગર રીઝાઉલ્લ તથા પાકિસ્તાની કેદી મહમદ શરીફ ઉર્ફે અબ્દુલ્લો નૂરમહમદ અને મહમદ ઇશાક ઉર્ફે મુલ્લો જમીલ હુશેન સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
ચારે કેદીઓને મહિલા રૂમ તરફ જવાની ના કહેતા કેદીઓએ ઝપાઝપી કરીને ફરિયાદી અને સાથી બોર્ડરવીંગના સીપાઇ નીમસિંહ ખેતસિંહ સોઢાને ઇજા પહોંચાડી હતી. ઘટના અંગે ફરિયાદ દાખલ કરાવતા જેઆઇસીમાં રહેલા સબીરહુશેન અહમદ અમીરહુશેન (ઉ.વ.21) તથા નૂરહુશેન અયુબ ખાન (ઉ.વ.24) નામના બે કેદીઓએ ઝેર પી લેતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તથા આ ઝપાઝપી દરમિયાન એક મહિલાની ગભરામણથી તબીયત લથડતાં તેણીને પણ સારવાર અર્થે જી.કે.માં દાખલ કરવામાં આવી હતી.
સજાની મુદ્દત સંભવત પૂરી થઇ જતા છૂટકારાની રાહ જોતા આ વિદેશી બંદીવાનો અનેકવાર રજૂઆત કરતા હતા. કેન્દ્ર સરકારના વિદેશી અને ગૃહ મંત્રાલયમાં તેની કાર્યવાહી ચાલી રહી છે. જોકે, આ મામલે કેટલાક બાંગ્લાદેશી-પાકિસ્તાની કેદીઓને અસંતોષ હોવાથી તેઓએ રવિવારે ઉગ્રતા ધારણ કરી અને જવાનો સાથે હાથાપાઇ પર ઉતરી આવ્યા હતા. આ અંગે ગુનો દાખલ થતાં આ બંદીઓ વધુ ઉગ્ર બન્યા અને તેમાંથી બે જણે ઝેરી દવા પી લેતાં તેને તાત્કાલિક જી.કે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક મહિલા કેદીની તબીયત બગડતા તેને પણ હોસ્પિટલાઇઝ કરાઈ છે. > સૌરભસિંઘ, એસપી